સુરતમાં ટયુશન કલાસીસમાં આગને કારણે ૭ વર્ષીય બાળકે જીવ ગુમાવતા તંત્ર એલર્ટ
બાળકોને શિક્ષણમાં વધુ સક્ષમ બનાવવા માટે વાલીઓ સ્કૂલ ઉપરાંત બાળકોને ટયુશન કલાસીસે પણ મોકલતા હોય છે. વર્તમાન સમયમાં ટયુશન કલાસીસનું પ્રચલન ખુબજ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ ટયુશન કલાસીસોના સંચાલનમાં કેટલીક ખામીઓને કારણે ઘણી વખત વિદ્યાર્થીઓના જીવ જોખમાતા હોવાની ઘટનાને મામલે ટયુશન કલાસીસોમાં વિદ્યાર્થીઓ સુરક્ષીત રહે તે માટે અમદાવાદ ડીઈઓએ કેટલાક સુચનો આપ્યા છે.
સારા શિક્ષણ માટે ટયુશનમાં મોકલાતા વિદ્યાર્થીઓની સુરક્ષાના પ્રશ્નોને ધ્યાનમાં લઈ ડીઈઓ કચેરીએ ટયુશન કલાસીસમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવાના ડીઈઓએ આદેશ આપ્યા છે. સુરતના ટયુશન કલાસીસમાં સાત વર્ષના વિદ્યાર્થી ફાયર સેફટીના અભાવને કારણે જીવ ગુમાવતા અમદાવાદના કલેકટર વિક્રાંત પાંડેએ ગુરૂવારે જિલ્લાની તમામ ટયુશન કલાસીસોમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી અંગે સુચનો આપ્યા છે.
અમદાવાદમાં ૭૦૦થી પણ વધુ ટયુશન કલાસીસો ચાલે છે. જેના પરિસરમાં કેટલીક વખત સુવિધાની અછતને કારણે વિદ્યાર્થીઓનો જીવ ન જોખમાય તેના માટે યોગ્ય નિર્ણયો તાત્કાલીક ધોરણે લેવા સરકારે કમરકસી છે.જો શાળા અથવા ટયુશન કે કોચીંગ કલાસીસમાં સુરક્ષાના ધારા-ધોરણો મુજબનું પાલન કરવામાં નહીં આવે તો ટયુશન કલાસીસોની પરવાનગી રદ્દ થવાની શકયતાઓ છે. ફાયર સેફટી ઉપરાંત પણ કેટલીક તકેદારી ટયુશન કલાસીસોએ રાખવી જરૂરી છે ત્યારે સુરક્ષામાં ફેરફારો કરવાથી વાલીઓની ચિંતાઓ હળવી થશે.