સોરઠીયાવાડીની ફાયરિંગની ઘટના બાદ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી હરકતમાં : હોદેદારોને જો હથિયાર હોય તો દેખાડો ન કરવાની પણ તાકીદ
સોરઠીયાવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટનાથી ભાજપની છબી ખરડાઈ છે. જેને પગલે શહેર ભાજપ પ્રમુખે તમામ કાર્યકરોને હથિયારોનો દેખાડો ન કરવા અને પોતાના વાહનમાં હોદાના બોર્ડ ન લગાવવાનો આદેશ જાહેર કર્યો છે.
તાજેતરમાં રાજકોટમાં સોરઠિયાવાડી વિસ્તારમાં ફાયરિંગનો કેસ સામે આવ્યો હતો. શૌચાલયમાં પ્રવેશને લઇને માથાકુટ થઇ હતી. કરણ સોરઠિયા નામના યુવા ભાજપના આગેવાને નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક દિવસ અગાઉ શહેરમાં હતા અને બીજી બાજુ તે જ સમયે ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં પોતાને શહેર ભાજપના મંત્રી ગણાવતા કરણ સોરઠીયાએ જાહેરમાં કાયરિંગ કરતાં દોડધામ મચી ગઇ હતી. સોરઠિયાવાડી સર્કલ નજીક ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા જાહેર શૌચાલય તેની કર્મચારી બંધ કરી રહ્યો હતો ત્યારે પૂર્વ કોર્પોરેટર રાજુ સોરઠિયા અને કિરણબેન સોરઠિયાનો પુત્ર તથા શહેર યુવા ભાજપનો મંત્રી કરણ સોરઠિયા ત્યાં ધસી ગયો હતો અને આ શૌચાલય મારા બાપે બનાવ્યું છે, શા માટે બંધ કરી દીધું તેમ કહી કર્મચારીની ધોલાઈ શરૂ કરી હતી.
શૌચાલયના કર્મચારીને મારી રહેલા કરણ સોરઠિયાને બાજુમાં જ આવેલી પાનની દુકાનના સંચાલક વનરાજ ચાવડા અને દેવરાજ સોનારાએ ટપારતા કરણ સોરઠિયા ઉશ્કેરાયો હતો અને તેણે હવામાં બે રાઉન્ડ કાયર કર્યા હતા. ભડાકા થતાં એ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આરોપી ભાજપ અગ્રણી કરણ સોરઠિયાને સકંજામાં લીધો હતો. પોલીસે આરોપીનું પરવાનાવાળું હથિયાર પણ કબજે કર્યું હતું. સાથે જ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ યુવક પીધેલી હાલતમાં હતો અને પોલીસે પ્રોહિબિશનનો ગુન્હે પણ દાખલ દાખલ કર્યો હતો.
આ ઘટનાને લઈ રાજકોટ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશી દ્વારા હોદ્દેદારોને બંદૂકનો દેખાડો ન કરવા અને વાહન ઉપર હોદ્દાના બોર્ડ હટાવી લેવા તાકીદ કરવામાં આવી છે. નવ નિયુક્ત પ્રમુખ દ્વારા તમામ કાર્યકરો, આગેવાનોને આ જાણ કરી દેવામાં આવી છે. હવે પ્રમુખનો આદેશ કોણ અને કેટલો માને છે તે જોવાનું રહ્યું.