રાજ્યના ચાર મહાનગરો તેમજ માઈક્રો ક્નટેઈનમેન્ટ ઝોનમાં આવેલી અદાલતો હજુ પણ ‘વર્ચ્યુઅલી’ જ કાર્યરત રહેશે
આશરે ૧૦ મહિના અને ૩૦૦ દિવસ બાદ રાજ્યભરની નીચલી અદાલતો ફિઝીકલ ધમધમતી થશે. આશરે ૧૦ મહિના પૂર્વે કોરોના મહામારીના પ્રારંભીક તબક્કામાં સંક્રમણને ધ્યાને રાખી રાજ્યભરની અદાલતોના કપાટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે હજારોની સંખ્યામાં અરજદારો રઝળી પડ્યા હતા. અગાઉ દિવાળી સમયે ૪ નવેમ્બરના ગુજરાત હાઈકોર્ટે મહાનગરો સીવાયની અદાલતનો ફિઝીકલ કાર્યરત કરવા આદેશ આપ્યો હતો. પરંતુ ફરીવાર કોરોના સંક્રમણ ચરમસીમાએ પહોંચતા કોર્ટે આ નિર્ણય મોકુફ રાખ્યો હતો. જો કે હાલ કોરોનાનું કવચ બજારમાં આવી જતાં ગુજરાત હાઈકોર્ટે ફરી બજારમાં ૧૮મી જાન્યુઆરીથી રાજ્યભરની નીચલી અદાલતોને ફિઝીકલી શરૂ કરી દેવા આદેશ આપ્યો છે.
ગત ૨૩ માર્ચના રોજથી કોર્ટરૂમ અને સુનાવણીઓ ફિઝીકલી બંધ કરી દેવામાં આવી હતી. ફક્ત આપાતકાલીન સુનાવણીઓ જ ઓનલાઈન કરવામાં આવતી હતી તે ઉપરાંતની તમામ સુનાવણીઓ સ્થગીત કરી દેવામાં આવી હતી. વધતા જતા કોરોનાને ધ્યાને રાખી ન્યાય મંદિરના કપાટ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો જે મામલે રાજ્યભરના બાર કાઉન્સીલ દ્વારા અવાર-નવાર લેખીત અને મૌખીક રજૂઆતો કરી કોર્ટ ફિઝીકલી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખી ગત ૪ નવેમ્બર ૨૦૨૦ના રોજ હાઈકોર્ટે ફરીવાર મહાનગરો સીવાયની રાજ્યભરની અદાલતનો ફરી ફિઝીકલી શરૂ કરવા આદેશ આપ્યો હતો પરંતુ દિવાળી સમયે મળેલી છુટછાટને કારણે કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો હતો. જેને ધ્યાને રાખીને ફરીવાર ગુજરાત હાઈકોર્ટે તેનો આ નિર્ણય મોકુફ રાખ્યો હતો.
હાલતના તબક્કે કોરોના કવચ મળી જતાં આજથી જ આરોગ્ય કર્મચારીઓને ડોઝ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે કોરોનાનો બિહામણો ભય હવે દિન-પ્રતિદિન ઓછો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આગામી ૧૮મી જાન્યુઆરીના રોજથી રાજ્યભરની નીચલી અદાલતો શરૂ કરી દેવા આદેશ આપ્યો છે. જેના કારણે ૧૦ મહિનાના સમયગાળા દરમિયાન પેન્ડીંગ પર રહેલી સુનાવણીનો ધમધમાટ ફરીવાર શરૂ થશે. બીજીબાજુ ન્યાય મંદિરના કપાટ બંધ હોવાથી રઝળી પડેલા નાના વકીલોની આજીવિકા પણ ફરીવાર મળતી થશે ત્યારે રાજ્યભરના વકીલોએ પણ આ નિર્ણય વધાવ્યો છે.
ઉલ્લેખનીય બાબત છે કે, રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ તેમજ માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન ખાતે આવેલી અદાલતો હજુ પણ ફિઝીકલી શરૂ થશે નહીં. બુધવારે હાઈકોર્ટે જાહેર કરેલા પરિપત્રમાં નોંધવામાં આવ્યું છે કે, આગામી ૧૮મી તારીખથી મહાનગરો તેમજ માઈક્રો ક્ધટેઈમેન્ટ ઝોન સીવાયની નીચલી અદાલતો રાબેતા મુજબ ફિઝીકલ શરૂ કરી દેવામાં આવશે. તમામ અદાલતોનો સમય સવારના ૧૦:૪૫ થી સાંજના ૬:૧૦ વાગ્યા સુધીનો રહેશે.