નાગરિકોના મનોરંજન હેતુ રેસકોર્સ માટે અધ્યત્તન મ્યુઝિક સિસ્ટમનો વર્ક ઓર્ડર અપાયો : માન. મેયરશ્રી – મ્યુનિ. કમિશનરશ્રીની ઘોષણા
મ્યુઝિક સિસ્ટમનું “આઈ-વે પ્રોજેક્ટ”ના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતેથી થશે સંચાલન : પબ્લિક એડ્રેસ સિસ્ટમ તરીકે પણ ખુબ જ ઉપ્રોગી પુરવાર થશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહયા છે. શહેરમાં અનેકાનેક ભૌતિક વિકાસ કાર્યોની સાથોસાથ શહેરની એક અલગ ઓળખ પણ પ્રસ્થાપિત થાય તે માટે પણ વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે. શહેરીજનોને વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પ્રદાન કરી રહેલી રાજકોટ મહાનગરપાલિકા લોકોના મનોરંજન અને રિક્રિએશન એક્ટીવીટી માટે પણ એટલી જ તત્પર રહી છે. રાજકોટ શહેરને “સ્માર્ટ સિટી” તરીકે વિકસિત કરવા માટે એક પછી એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહયા છે. શહેરીજનોને લેટેસ્ટ ટેકનોલોજી આધારિત સેવાઓ પ્રાપ્ત થાય તેવો પણ પ્રયાસ તંત્રનો રહયો છે. શહેરની મધ્યમાં સ્થિત હરવાફરવા માટેના સ્થળ રેસકોર્સ ગાર્ડન લોકોમાં ખુબ જ પ્રિય છે અને તેની સાથે તેઓનો કાંઈક અલગ જ લગાવ છે.
રેસકોર્સ ફરવા આવતા લોકોને આ સ્થળે સંગીતપ્રદ મનોરજન મળે તેવા હેતુથી એક અત્યાધુનિક મ્યુઝિક સિસ્ટમ વસાવવાનું નક્કી કરવામાં આવેલ છે; અને આ માટે વર્ક ઓર્ડર પણ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. આ મ્યુઝિક સિસ્ટમની સૌથી મહત્વની બાબત એ છે કે રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ (સીસીટીવી પ્રોજેક્ટ)ના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતેથી મ્યુઝિક સિસ્ટમનું સંચાલન કરવામાં આવશે. રેસકોર્સ રાજકોટનું એક એવું સ્થળ છે જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો એકત્ર થતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીએ તો આ મ્યુઝિક સિસ્ટમ શહેર માટે એક અસરકારક પબ્લિક એડ્રેસ સિસ્ટમ તરીકે વહીવટી તંત્રને ખુબ જ ઉપયોગી પુરવાર થઇ શકશે. એમાંય ખાસ કરીને કોઈ ઇમરજન્સી કે કોઈ બનાવ અનુસંધાને લોકોને આ પબ્લિક એડ્રેસ સિસ્ટમની મદદથી તુર્ત જ માહિતગાર કરી માર્ગદર્શન આપી શકાશે, તેમ માન. મેયર શ્રી બીનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.
માન. મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ રૂ.૨૨,૪૦,૭૦૮/-ના ખર્ચે વસાવવામાં આવેનાર આ મ્યુઝિક સિસ્ટમ ખરીદ કરવા માટે મુંબઈ સ્થિત કંપની હનીવેલ ઓટોમેશન ઇન્ડિયા લિ.ને ઓર્ડર આપી દેવામાં આવેલ છે. આ મ્યુઝિક સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યા બાદ તેના પાંચ વર્ષના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સની જવાબદારી પણ આ કંપનીને જ સુપ્રત કરવામાં આવેલી છે.
આ મ્યુઝિક સિસ્ટમમાં ૩૭ સ્પીકર એન્ડ હાઉસિંગ, ૧૧ એમ્પ્લીફાયર કમ લેન કંટ્રોલર, ૧ માઈક્રોફોન, સેન્ટ્રલાઇઝ્ડ સોફ્ટવેર, ડીવીડી પ્લેયર, સ્પીકર માટે આર્મ કોપર કેબલ, એચડીપી પાઈપ અને અન્ય એસેસરીઝનો સમાવેશ થાય છે.
જાહેર રજાઓ, તહેવારો, અન્ય ઉત્સવો અને પ્રસંગોએ રેસકોર્સ ખાતે હજારોની સંખ્યામાં ઉમટી પડતા નગરજનોને રેસકોર્સમાં હવે અત્યાધુનિક મ્યુઝિક સિસ્ટમ પર ગીતસંગીત શ્રવણનો અનેરો લાભ પ્રાપ્ત થશે. તેઓના મનોરંજનમાં વૃદ્ધિ કરે તેવું એક નવું મ્યુઝિકલ પરિબળ હવે ઉમેરવામાં આવી રહ્યું છે જે નગરજનોને ખુબ પસંદ પડશે તેવી આશા માન. મેયર શ્રી બીનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વ્યક્ત કરી હતી.