- ડબલ મર્ડર સહિતના ગુનામાં 14 વર્ષથી વધુ સજા કાપી ચૂકેલા 16કેદીઓને મુકતી અપાયા બાદ વધુ 5ને આજે જેલમુક્તિ અપાશે
રાજકોટ શહેરની સેન્ટ્રલ જેલમાંથી આજીવન કેદની સજા ભોગવતા અને 14 વર્ષથી વધુ સજા કાપી લીધી હોય તેવા 16 કેદીઓને મુક્ત કરવામાં આવતાં પરિવારજનોમાં ખુશી છવાઇ ગઇ હતી. કુલ 21 જેટલાં બંદીવાનોને મુક્તિ આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે પૈકી 16ને સોમવારે જયારે વધુ 5 બંદીવાનોને આજે મુક્તિ આપવામાં આવી છે. જેલમુક્તિ મળતા ક્રાઇમથી હમેંશા દૂર રહો, તમે ક્રાઇમ કરો તો તમને સજા પડે અને તમે અંદર જતાં રહો, પણ તમારા કરતાં વધુ સજા તમારા પરિવારને મળે છે. તમે જેલમાં ગયા પછી તમારા પરિવાર, બાળકોની હાલત ખરાબ થઇ જાય છે, એમનું ભવિષ્ય બગડે છે, કોઇ ક્રાઇમ કરતું હોય તો એમને પણ રોકવા જોઇએ… આ વાત જેલમાંથી મુક્ત થયેલા 16 પૈકીના આજીવન કેદની સજા કાપી ચુકેલા મુન્નો ઉર્ફે બલદેવ રણછોડભાઇ પટેલે કરી હતી.
જેલમાંથી કેદીઓને મુક્ત કરવામાં આવ્યા તે અંગે જેલના નવનિયુક્ત ડીવાયએસપી એ. પી. જાડેજાએ જણાવ્યું હતું કે, જેલ ખાતે 14 વર્ષથી વધુ સમયથી પાકા કેદી તરીકે સજા ભોગવતાં હોય (આજીવન કેદની) તેવા કેદીઓના કેસ જેલ એડવાયઝરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતાં હોય છે. જે પૈકી કુલ 84 માંથી 21 કેદીઓના કેસ રાજ્ય સરકારે જેલમુક્તિ કરવા માટે મંજુર કર્યા હતાં અને જેલ મુક્ત કરવાના ઓર્ડર આચારસંહિતા પહેલા જ કરી દીધા હતાં.
તે અંતર્ગત જે કેદીઓએ પોતાના કેસ સંબંધીત લાગુ પડતાં પડતાં પોલીસ સ્ટેશનોમાં જામીન રજૂ કરાવી દીધા હોય તેવા કેદીઓને રાજ્ય સરકારના ઓર્ડર અનુસાર મુક્ત કરાયા છે. જે અનુસંધાને સોમવારે પહેલા 14 કેદીઓના જામીન રજૂ થઇ ગયા હોઇ તેને મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાંજે વધુ બે કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાં સારી ચાલ ચલગત તથા અન્ય માપદંડોને આધારે જેલમુક્ત કરવામાં આવતાં હોય છે.
જેલ મુક્તિ મેળવનારની યાદીમાં ચકા ઉર્ફે સવજી ભાણા ટાંક, ટાજી રામજીભાઈ કોળી, બહાદુર તળશી વાઘેલા, મુન્નો ઉર્ફે બળદેવ પટેલ, સલીમ અભુ જુણેજા, પોપટ પાંચા વાઘેલા, નાગજી ઓધવજી કુંભાર, મનસુખભાઇ પોપટ, પરસોતમ મગન ધરજીયા, દેવતસિંહ અજીતસિંહ, વાલજી મગન ધરજીયા, ધનજી ઉર્ફે ધનો રાઘવ પરમાર, સવસી હરિભાઈ કોળી, રણછોડ હરિભાઈ ડાભી, જયેન્દ્રસિંહ જાડેજા, અબ્રાહમ મુસા સમા, હેમરાજ લાલજી માઘોડિયા, સીતારામ કાશીરામ, રમેશ દેવશી દેગામા, ભગા વાઘા ઝાંપડા, રોહિત બાબુ બ્રહ્મભટ્ટનો સમાવેશ થાય છે.
જેલ સુપ્રિન્ટેન્ડન્ટડ શિવમ વર્માની રાહબરીમાં કેદીઓને મુક્ત કરવાની કામગીરી થઇ હતી. ડીવાયએસપી એ. પી. જાડેજા સાથે પીઆઇ એમ. આર. ઝાલા, પીઆઇ બી. બી. પરમાર, જેલર એમ. એમ. ચોૈહાણ, જેલર વી. કે. પારઘી, સુધીરભાઇ ગોપલાણી, અજયસિંહ રાઠોડ, જયેશભાઇ કમેજળીયા સહિતનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો. આ તકે એ પી જાડેજાએ જણાવ્યું હતું કે મુક્ત થયેલા કેદીઓને તેઓ બહાર નીકળી ફરીથી પરિવાર સાથે રહી તેમને મદદરૂપ થાય અને સમાજમાં પુન: પ્રસ્થાપિત થાય તેમજ સારા નાગરિક તરીકે પોતાનું જીવન ગાળે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.