ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલની કાયદા વિષયક તથા રજુઆતો ધ્યાને લઈ આબુરોડ કોર્ટનો હુકમ
માઉન્ટ આબુની હોટલ માયા પેલેસના ભાડુઆત વેલિસ કોપ્સ ગ્રુપે કોર્ટમાં હોટલ માલીક હોટલનો કબજો ખાલી ન કરાવે તે માટે દાવો દાખલ કરતા કોર્ટે હોટલ માલિક વિરુઘ્ધ યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ ફરમાવેલો છે.
આ અંગેની ટુંકમાં વિગત એવી છે કે, વેલિસ કોપ્સ ગ્રુપ પ્રા.લી.એ માઉન્ટ આબુની માયા પેલેસ હોટલનાં માલિક આબુ ઈન્ટરનેશનલનાં ઓથોરાઈઝ પર્સન શંકરલાલ સાધવાણી પાસેથી લીઝ એગ્રીમેન્ટથી માસિક રૂ.૧૦ લાખનાં ભાડાથી પાંચ વર્ષ માટે ભાડે રાખેલી. બાદ ભાડે રાખ્યાના ચારેક માસ બાદ બંને પક્ષકારો વચ્ચે માસિક રૂ ૧૦ લાખનાં બદલે માસિક રૂ.૮ લાખ ભાડુ મૌખિક કરારથી નકકી કરવામાં આવેલું જે મુજબ ભાડુઆત કંપનીએ રેગ્યુલર ૮ લાખ ભાડુ હોટલનાં મુળ માલિકને ચુકવી આપેલું ત્યારબાદ ગત તા.૬/૭/૨૦૧૯નાં રોજ હોટલ માલિકે ભાડુઆત કંપનીને દસ લાખ કરતા ઓછુ ભાડુ આપતા હોવાના કારણોસર હોટલનો કબજો પરત સોંપી આપવા લેખિત નોટીસ પાઠવેલી. હોટલનો કબજો લેવાની ધમકી આપેલ જે સામે ભાડુત કંપનીએ આબુ રોડ એડી.ડીસ્ટ્રીકટ કોર્ટમાં દિવાની દાવો દાખલ કરી વચગાળાનો તથા કાયમી મનાઈ હુકમ માંગેલો. કંપનીએ દાખલ કરતા કોર્ટે દાવામાં હોટલનાં મુળ માલિક શંકરલાલ સાધવાણીને નોટીસ કરી કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ કરેલો હતો.
મુળ માલિક કોર્ટમાં હાજર રહેતા કોર્ટે દાવાની ગંભીરતા સંદર્ભે ભાડુઆત કંપનીના એડવોકેટની કાયદા વિષયક તથા હકીકત વિષયકની રજુઆતો ધ્યાને લઈ યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ ફરમાવેલો છે. ભાડુઆત કંપનીવતી રાજકોટનાં ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલ, મલ્હાર સોનપાલ, મનોજ તંતી, નિલેશ વેકરીયા, હેમત ગોહેલ, વિશાલ સોલંકી, હિતેષ ભાયાણી તેમજ અજય દાવડા રોકાયેલ.