સુરેન્દ્રનગર ૪૪.૪ ડિગ્રી, રાજકોટ ૪૩.૧ ડિગ્રી, કંડલા ૪૦.૮ ડિગ્રી, ભાવનગર ૪૦.૧ ડિગ્રી સાથે કાળઝાળ ગરમીમાં શેકાયા: હજુ ૪ દિવસ હીટવેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે અડધા ભારતમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય આજે પણ સુર્યનારાયણ અગનગોળો બની આકાશમાંથી અગ્નિવર્ષા કરશે. ગઈકાલે રાજકોટમાં બે સ્થળોએ તાપમાનનો પારો ૪૬ ડિગ્રીને આંબી જતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. હજુ ૪ દિવસ સુધી ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીમાં રાહત મળે તેવી કોઈ જ સંભાવના હાલ દેખાતી નથી.
ગઈકાલે ગુરુવારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં સુર્યપ્રકોપ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર ૪૪.૪ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું તો ગાંધીનગરમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી અને અમદાવાદનું તાપમાન ૪૪.૩ ડિગ્રી નોંધાયું હતું. રાજકોટવાસીઓ પણ કાલે કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. હવામાન વિભાગનાં રેકોર્ડ પર ગઈકાલે શહેરનું તાપમાન ૪૩.૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. જયારે મહાપાલિકા દ્વારા શહેરનાં અલગ-અલગ ૧૯ વિસ્તારોમાં મુકવામાં આવેલા સેન્સરમાં ગઈકાલે બપોરે ૪ કલાક અને ૧૧ મિનિટે શહેરનું મહતમ તાપમાન ૪૬ ડિગ્રીને લગોલગ આંબી ગયું હોવાનું નોંધાયું હતું. ત્રિકોણબાગ ખાતે તાપમાનનો પારો ૪૫.૮૨ ડિગ્રી જયારે આરએમસી કચેરી ખાતે તાપમાનનો પારો ૪૫.૩૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયો હતો તો ગ્રીનલેન્ડ ચોકડી પાસે તાપમાન ૪૪.૨૯ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. આ ઉપરાંત અલગ-અલગ ૭ વિસ્તારોમાં તાપમાન ૪૩ ડિગ્રીથી વધુ રહેવા પામ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા આજે પણ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે તાપમાનનો પારો ૪૩થી ૪૫ ડિગ્રી વચ્ચે રહે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.
ગઈકાલે ભુજનું તાપમાન ૩૮.૯ ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન ૪૦.૮ ડિગ્રી, ભાવનગરનું તાપમાન ૪૦.૧ ડિગ્રી, વડોદરાનું તાપમાન ૪૨ ડિગ્રી, વલ્લભવિદ્યાનગરનું તાપમાન ૪૨.૮ ડિગ્રી અને ડિસાનું તાપમાન ૪૨.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગર અને કચ્છમાં સિવિયર હીટવેવની સંભાવના વ્યકત કરવામાં આવી છે એટલે કે અહીં આજે પણ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી આસપાસ રહે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. ઉતર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ આજે તાપમાન ઉંચુ રહેશે. આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા અડધા દેશમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતનાં અનેક રાજયોમાં આજે આકાશમાંથી અગ્નિવર્ષા થાય તેવી શકયતા જણાઈ રહી છે.
સિવિયર હીટવેવમાં સનસ્ટ્રોકથી બચવા લોકોને બપોરનાં સમયે કામ સિવાય ઘરની બહાર ન નિકળવા તથા શકય તેટલું વધુ માત્રામાં પાણી પીવા પણ વહિવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આગામી ૪ દિવસ સુધી હજી ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી રાહત મળે તેવી કોઈ જ શકયતા જણાતી નથી.