ટ્રાફિક સમસ્યા અંગે પોલીસ કમિશનરને રજૂઆત
ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા બાબત પોલીસ કમિશનર ને રજૂઆત કરેલ છે. ડે.મેયરશ્રીએ જણાવેલ કે રાજકોટ શહેરનો દિન પ્રતિદિન વિકાસ થતો જોવા મળે છે. તેમજ રાજકોટ શહેરના વિસ્તારો પણ વધતા જાય છે. સ્વભાવિક છે કે વાહનોની સંખ્યામાં પણ સતત વધારો થતો જોવા મળે છે. તેની સામે ટ્રાફિકની સમસ્યા પણ સતત વધતી જાય છે.
જે ધ્યાને લઈ શહેરીજનોને કોઈ હાલાકી ન રહે તેમ ટ્રાફિક બાબતનુ સુવ્યવસ્થિત આયોજન કરવું જરૂરી છે. શહેરના (1) ભીલવાસ ચોક થી ફૂલછાબ ચોક (2) હરિહર ચોક થી જયુબેલી તરફ (3) રાજકોટ મહાનગરપાલિકા મુખ્ય ઓફિસ ની સામે પરમાર સાયકલ વાળો રોડ જે ત્રિકોણ બાગ તરફ જાય છે. (4) મંગલા રોડ (5) વિદ્યાનગર રોડ (6) ભૂતખાના ચોક થી લોધાવાડ ચોક તરફ જવાનો રોડ (7) કોઠારીયાનાકા તથા સોનીબજાર વિસ્તાર (8) રામનાથપરા વિસ્તાર વિગેરે જેવા વિસ્તારોમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. તેમજ શહેરના જુદા જુદા મુખ્ય રસ્તાઓનો સર્વે કરાવી તેવા રસ્તાઓ પર જરૂર જણાયેલ વન-વે કરવા અથવા ટ્રાફિક નિયંત્રણ માટે વધારાના ટ્રાફિક પોલીસ અથવા ટ્રાફિક સિગ્નલ રાખવા જરૂરી છે. જેને પરિણામે ટ્રાફિક જામની સમસ્યામા ઘટાડો થાય તેમજ શહેરીજનોને પણ ટ્રાફિક સમસ્યા માંથી રાહત રહે આ બાબતે સત્વરે કાર્યવાહી હાથ ધરવા વધુમાં ડેપ્યુટી મેયરશ્રીએ રજૂઆતમા જણાવેલ છે.