નકારાત્મકતા આધારિત જોડાણો ‘કજોડા’ સાબિત થાય છે : મોદી
એનડીએ સામે વિપક્ષોએ એકજુટ થઈને નવુ ગઠબંધન બનાવ્યું છે. જેને I-N-D-I-A નામ આપવામાં આવ્યું છે. આ ગઠબંધન વિજય રથ લઈ આવશે કે કેમ તે સમય બતાવશે. પણ આ નવા ગઠબંધન સામે મોદીએ શાબ્દિક પ્રહાર કર્યા છે. જેમાં તેઓએ નકારાત્મકતા આધારિત જોડાણો કજોડા સાબિત થતા હોવાનું કહ્યું હતું.
બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તેમના જૂથનું નામ ઈન્ડિયા રહેશે. કોંગ્રેસના નેતૃત્વમાં આ વિપક્ષી જૂથ અગાઉ યુપીએ તરીકે ઓળખાતું હતું. હવે આ તમામ વિપક્ષી પાર્ટીઓ ભારત ગઠબંધનનો ભાગ બનશે. ઇન્ડિયાનું આખું નામ ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇન્કલુસીવ એલીઆન્સ છે. આ બેઠકમાં કોંગ્રેસ, ટીએમસી, જેડીયુ, આરજેડી, એનસીપી, સીપીએમ, સીપીઆઈ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, જેએમએમ, આમ આદમી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ જૂથ), નેશનલ કોન્ફરન્સ, પીડીપી, આરએલડી, આઈયુએમએલ, કેરળ કોંગ્રેસ(એમ), એમડીએમકે, વીસીકે, આરએસપી, કેરળ કોંગ્રેસ (જોસેફ ), કેએમડીકે , અપના દળ કામેરાવાડી, એમએમકે,સીપીઆઈએમએલ, એઆઈએફબી સહિતના પક્ષો જોડાયા છે.
આવી સ્થિતિમાં આ તમામ વિપક્ષી પાર્ટીઓ સામે સીટોની વહેંચણી સૌથી મોટો પડકાર છે. આ વિરોધ પક્ષોને તેમના પ્રદેશમાં તેમની બેઠકો સાથે સમાધાન કરવું પડી શકે છે. બેંગલુરુમાં ચાલી રહેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મને ખુશી છે કે 26 પાર્ટીઓ એકજૂથ થઈને કામ કરવા માટે હાજર છે. અત્યારે આપણા બધાની સાથે મળીને 11 રાજ્યોમાં સરકાર છે. એકલા ભાજપને 303 બેઠકો મળી નથી. તેના સાથીઓના મતોનો ઉપયોગ કર્યો અને સત્તામાં આવી અને પછી તેમને હાંકી કાઢ્યા.
ખડગેએ કહ્યું કે, બીજેપી અધ્યક્ષ અને તેમના નેતાઓ તેમના જૂના સાથીઓ સાથે સમાધાન કરવા માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં દોડી રહ્યા છે. તેમને ડર છે કે તેઓ અહીં જે એકતા જોશે તે આવતા વર્ષે તેમની હારમાં પરિણમશે. દરેક સંસ્થાને વિપક્ષ સામે હથિયાર બનાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ પણ બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીઓના મહાજુટન પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે આ બેઠકને ભ્રષ્ટાચારીઓનું સંમેલન ગણાવ્યું હતું. પોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ લોકો અમર્યાદિત ભ્રષ્ટાચાર કરે છે. આ લોકો હાલમાં બેંગલુરુમાં વ્યસ્ત છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદીના 75 વર્ષમાં આપણું ભારત ક્યાંય પણ પહોંચી શક્યું હોત. આપણા ભારતીયોની ક્ષમતામાં ક્યારેય કોઈ કમી આવી નથી, પરંતુ ભ્રષ્ટાચારી અને પરિવાર આધારિત પક્ષોએ સામાન્ય ભારતીયની આ ક્ષમતા સાથે અન્યાય કર્યો છે.
કોંગ્રેસને પીએમ પદમાં રસ નથી : ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેઠકમાં કહ્યું કે, મેં પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે આ પીએમ પદ કે સત્તા માટે નથી કરી રહ્યા. મેં ચેન્નાઈમાં સ્ટાલિનના જન્મદિવસ પર પણ કહ્યું હતું કે કોંગ્રેસને સત્તા અને પીએમ પદમાં રસ નથી. આ બેઠકમાં અમારો હેતુ પોતાના માટે સત્તા મેળવવાનો નથી. આ આપણા બંધારણ, લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાયની સુરક્ષા માટે છે. તેમણે કહ્યું, અમે જાણીએ છીએ કે અમારી વચ્ચે પરસ્પર મતભેદો છે. પરંતુ તેઓ એટલા મોટા નથી કે આપણે તેમને અલગ રાખી શકીએ નહીં. તેમણે કહ્યું કે, સામાન્ય માણસ માટે, મોંઘવારી સામે ઝઝૂમી રહેલા મધ્યમ વર્ગ માટે, બેરોજગારી સામે લડી રહેલા આપણા યુવાનો માટે, ગરીબો માટે તેમના મતભેદો પાછળ છોડી શકે છે.
નવા સંગઠનનું દિલ્હીમાં સચિવાલય બનશે, સંકલન માટે 11 સભ્યોની સમિતિ પણ રચાશે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, વિપક્ષના સંગઠનનું નામ ઇન્ડિયા જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠનનું મુખ્ય સચિવાલય દિલ્હીમાં કાર્યરત કરાશે. સંગઠનના સંકલન માટે 11 સભ્યોની સમિતિ રચવામાં આવશે. આગામી સમયમાં મુંબઈમાં બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં કન્વિનરની પસંદગી પણ કરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ મુદ્દાઓને આધારિત સમિતિઓ પણ બનાવવામાં આવશે.