પશ્ચિમ બંગાળમાં લગભગ ત્રણ દાયકા સુધી શાસન કર્યા પછી સત્તા વિહોણી બનેલા સીપીએમને સીટ શેરિંગને લઈને અસંતોષ
વિપક્ષે ઇન્ડિયા ગઠબંધનની રચના કરીને કિલ્લાબંધી કરવાનો પ્રયાસ કર્યો પણ તે કિલ્લાનાં એટલે કે ગઢના કાંગરા ખરી રહ્યા છે. સીપીએમએ આ ગઠબંધનને તિલાંજલિ આપતા રાજકારણ ગરમાયુ છે.
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ), જે પશ્ચિમ બંગાળમાં લગભગ ત્રણ દાયકા સુધી સરકાર પર શાસન કર્યા પછી સત્તા પરથી હટાવવામાં આવી હતી, તેણે ઇન્ડિયા ગઠબંધનની સંકલન સમિતિમાંથી દૂર થવાનો નિર્ણય લીધો છે.પક્ષે જાહેર કર્યું છે કે તે આ સમિતિનો ભાગ નહીં હોય. નવી દિલ્હીમાં યોજાયેલી પોલિટબ્યુરોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સીપીએમ પોલિટબ્યુરોએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ઇન્ડિયાએ વિસ્તરણ પર કામ કરવું જોઈએ. વધુમાં વધુ લોકોને તેની સાથે જોડવાની પહેલ થવી જોઈએ. તમામ નિર્ણયો તમામ ઘટક પક્ષોએ સાથે મળીને લેવા જોઈએ. આ માટે કોઈ સંગઠન બનાવવાની જરૂર નથી. આવા નિર્ણયોમાં સંગઠનનું માળખું અવરોધરૂપ બનશે.
13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં, સીપીએમએ ઝુંબેશ સમિતિ અને સોશિયલ મીડિયા સમિતિ જેવી ઓછી મહત્વની સમિતિઓ માટે તેના સભ્યોના નામ મોકલ્યા હતા. જો કે એવી પણ ચર્ચા છે કે આ બેઠકમાં રાજ્ય સ્તરે જ બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનની બે મહત્વની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસે સીપીએમ માટે અસ્વસ્થતાભરી સ્થિતિ સર્જી છે.
પશ્ચિમ બંગાળમાં, સીપીએમ અને કોંગ્રેસ ચૂંટણીમાં ગઠબંધન બનાવે છે અને ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસને તેમના રાજકીય હરીફ માને છે. સીપીએમ કેરળમાં સત્તામાં છે અને ત્યાં કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરે છે. બંગાળ અને કેરળ એવા બે રાજ્યો છે જ્યાં હજુ પણ સીપીએમનું મહત્વ છે. તેણે બંગાળમાં 34 વર્ષ સુધી સરકાર ચલાવી. આ રાજ્યમાં સીપીએમનો એક પણ ધારાસભ્ય કે સાંસદ નથી.