શું ઓફિસર્સ જે તે રાજ્ય પૂરતા જ સીમિત રહી શકે?
રાકેશ અસ્થાનાની દિલ્લી પોલીસ કમિશ્નર તરીકેની નિમણુંક સામે ‘આપ’ને વાંધો
1984ની બેચના IPS ઓફિસર રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુરુવારે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યોએ અસ્થાનાની નિમણૂકનો વિરોધ કરતાં આક્ષેપ કર્યો હતો કે, પક્ષના નેતાઓને પરેશાન કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
દિલ્હી વિધાનસભામાં આ અંગે એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં ઉલ્લેખ હતો કે, આ ઓફિસરના ભૂતકાળના રેકોર્ડને જોતાં આશંકા છે કે, કેંદ્ર સરકાર તેમનો ઉપયોગ કરીને રાજકીય શત્રુઓ સામે ખોટા કેસ કરીને દેશની રાજધાનીમાં ભયનું શાસન ફેલાવશે. દેશની રાજધાનીના પોલીસ દળનું સુકાન આવા વિવાદાસ્પદ વ્યક્તિના હાથમાં ના હોવું જોઈએ. ઠરાવમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે, દિલ્હી સરકારે આ મુદ્દો ગૃહ મંત્રાલય સમક્ષ રજૂ કરવો જોઈએ અને અસ્થાનાની નિમણૂક પરત ખેંચાવી જોઈએ.
આપના નેતાઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે, અસ્થાનાની નિમણૂક સુપ્રીમ કોર્ટના માર્ચ 2019ના ચુકાદાની અવમાનના છે. ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સર્વિસ પૂરી થવામાં 6 મહિનાથી પણ ઓછો સમય બાકી હોય તેવા વ્યક્તિની દેશના કોઈપણ ખૂણે પોલીસ દળના વડા તરીકે નિમણૂક ના થવી જોઈએ. મહત્વનું છે કે, અસ્થાાની નિવૃત્તિના ગણતરીના દિવસો બાકી હોવા છતાં તેમને દિલ્હીના પોલીસ કમિશનર બનાવાયા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભા ગૃહની બહાર મીડિયાને જણાવ્યું કે, “મને લાગે છે કે, અસ્થાનાની નિમણૂક સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન છે. કેંદ્ર સરકારની ફરજ છે કે તેઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરે અને નિયમો પ્રમાણે જે-તે વ્યક્તિની નિમણૂક કરે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અસ્થાના CBIના ડાયરેક્ટર નથી બની શકતાં કારણકે તેઓ તે પોસ્ટ માટે અયોગ્ય છે અને આ જ પ્રકારે તેઓ દિલ્હી પોલીસ કમિશનરના પદ માટે પણ લાયક નથી.”
જોકે, વિપક્ષ નેતા રામવીર સિંહ બિધુરીએ અસ્થાનાની નિમણૂકનો બચાવ કરતાં કહ્યું, તેઓ ‘પ્રામણિક અને સન્માનનીય’ IPS અધિકારી છે. આ તરફ ઠરાવમાં એવો પણ ઉલ્લેખ છે કે, દિલ્હી પોલીસ કમિશનરની પોસ્ટ માટે નિમણૂક એજીએમયુટી આઇપીએસ કેડરમાંથી કરવાની હોય છે. ગુજરાત કેડરના વિવાદિત અધિકારી કે જેમના પર ભૂતકાળમાં ગંભીર આરોપો લાગી ચૂક્યા છે અને તપાસ થઈ છે, તેમની નિમણૂક દિલ્હી પોલીસને પણ વિવાદોમાં રાખશે, તેમ ઠરાવમાં લખવામાં આવ્યું છે.
આપના ધારાસભ્ય સંજીવ ઝાએ અસ્થાનાના દિલ્હી વિશેના જ્ઞાન અને કાયદા-વ્યવસ્થાનીની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે કારણકે તેઓ ગુજરાત કેડરના અધિકારી છે. વોઈસ વોટથી પસાર થયેલા ઠરાવમાં ઉલ્લેખ છે કે, એક વિવાદિત અધિકારી જેને કેંદ્ર સરકારે ઓક્ટોબર 2018માં સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર પદેથી હટાવ્યા હતા અને તાજેતરમાં જ સીબીઆઈના ડાયરેક્ટર પદ માટે લાયક ના હોવાનું માન્યું હતું તેમને દિલ્હી પોલીસ પર કેમ થોપવામાં આવી રહ્યા છે તે સમજાતું નથી.
ગુલાબ સિંહ, અખિલેશ ત્રિપાઠી, સોમનાથ ભારતી સહિતના આપના અન્ય ધારાસભ્યોએ સંજીવ કુમાર ઝાના ઠરાવને સમર્થન આપ્યું છે. સાથે જ દાવો કર્યો છે કે, અસ્થાનાને દિલ્હીમાં મૂકવાનું કારણ આપને પરેશાન કરવાનું અને તેનું મોઢું બંધ કરવાનું છે. દિલ્હીના ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈને પણ આ ઠરાવનું સમર્થન કરતાં કહ્યું કે, કેંદ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અવમાનના નહોતી કરવા જેવી.