હર હર ગંગે… ઘર ઘર મોદી…
હવે વિપક્ષો હિન્દુ અને હિંદુત્વના એજન્ડા સાથે મેદાનમાં ઉતરવા મજબૂર થયાં
ભાજપ માટે અવારનવાર કહેવાતું આવ્યું છે કે આ પક્ષ રાજકીય લાભ લેવા હિન્દુત્વનું કાર્ડ રમે છે. આ આક્ષેપોનો જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ રીતે આપ્યો છે. વડાપ્રધાને મંદિરોના વિકાસનું જાણે બીડું ઝડપ્યું હોય. હિન્દુત્વવાદને બદલે ભાજપ ભક્તિવાદમાં માને છે એ વાત પ્રસ્થાપિત કરી બતાવી છે. તેમણે કેદારથી લઈ કાશી સુધીનાં મંદિરોનો વિકાસ કરીને ‘વારસાના વિકાસની રાજનીતિ’ અપનાવી છે. તેમણે માત્ર હિન્દુત્વવાદને પ્રસ્થાપિત કરવા એકપણ નિવેદન આપ્યું નથી, પણ લલાટે ચંદન લગાવીને કાશીની ગંગામાં ડૂબકી મારી અનોખી રીતે જવાબ તો આપ્યો જ છે સાથોસાથ જે ૨૫૦ વર્ષમાં થઈ શક્યું નથી તે મોદીએ કરી બતાવતા હવે વિપક્ષો બોખલાઈ ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે.
તેમણે સોમનાથ મહાદેવ મંદિરનાં દર્શને આવતા ભક્તો માટે વોક-વે, મ્યુઝિયમથી લઈ અનેક સુવિધાઓ ઊભી કરી. કેદારનાથનો જોરદાર વિકાસ કર્યો. ભારતના હિન્દુઓના સ્વપ્ન સમાન અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરાવ્યું. છેલ્લે, કાશીવિશ્વનાથ મંદિરનો ભવ્ય વિકાસ કરીને તેમણે વિપક્ષોના હિન્દુકાર્ડનાં નિવેદનોનો જડબાંતોડ જવાબ આપ્યો છે.
હવે મોદીના જડબાતોડ જવાબને પગલે વિપક્ષો પણ હિન્દુત્વની પિચ પર રમવા મજબૂર થઈ ગયા છે. તેમાં પણ જ્યારે પાંચ રાજ્યોની ચૂંટણી યોજાનાર છે તે સમયે તો હવે તમામ વિપક્ષોએ હિંદુત્વના એજન્ડા સાથે ચાલવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ થતાં હિન્દૂ ધર્મના લોકોની લાગણીની બાબત અસરકારક સાબિત થઈ છે. ત્યારે હિંદુ મતોને રીઝવવા તમામ વિપક્ષોએ હિન્દૂ અને હિંદુત્વબો મુદ્દો હાથ પર લેવો જ પડશે. ત્યારે આ બાબતે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે એક ટ્વિટ કરીને એવું નિવેદન પણ જારી કરી દીધું છે કે, કોરિડોર નિર્માણ માટે ખરેખર ભંડોળ સમાજવાદી પાર્ટીની સરકારે ફાળવ્યા હતા.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ભાજપે હિંદુઓની આસ્થાના પ્રતીક રામ મંદિર નિર્માણ થતા હિંદુઓની લાગણી ભાજપ સાથે જોડાઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે ભગવાનો શ્રેષ્ઠ ચહેરો બનવા વિપક્ષી નેતાઓ પોતાની જાતને એક શ્રેષ્ઠ હિન્દૂ તરીકે સાબિત કરવા પ્રયત્નો કરી રહ્યા છે.