સમગ્ર ભારતની સૌ પ્રથમ અને એક માત્ર હોવાના ગૌરવ સાથેની જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને જામનગરમાંથી ખસેડીને ગાંધીનગર લઈ જવાની હીલચાલ ચાલી રહી હોવાનું જણાવી ખંભાળિયા-ભાણવડ વિસ્તારના કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના જામનગરથી સ્થળાંતરનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.
દેશના વડાપ્રધાન તથા રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા વિસ્તૃત આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે જામનગર શહેરમાં આવેલ ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી કે જે જામનગર શહેરની આન, બાન અને શાન સમાન છે તે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને, ભારત સરકારનું આયુષ મંત્રાલય અને નીતિ આયોગ દ્વારા આ એક માત્ર અને એ પણ એશિયા ખંડની એક માત્ર એવી આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત રાજ્યના જામનગર શહેરમાં આવી છે. અહીં માત્ર દેશમાંથી જ નહીં, પણ એશિયા ખંડમાંથી દેશ-વિદેશોના વિદ્યાર્થી આયુર્વેદના અભ્યાસ માટે આવે છે.
આ આયુર્વેદ યુનિવર્સિટીમાં, આયુર્વેદ કોલેજ તથા વિશાળ આયુર્વેદ હોસ્પિટલ તેમજ લાખો દર્દીઓ અહીં આખા દેશમાંથી સારવાર અર્થે આવે છે. વિશેષમાં વિશાળ કક્ષાની ઓ.પી.ડી. તેમજ ઈન્ડોર દાખલ થયેલ દર્દીઓને અત્યંત આધુનિક આયુર્વેદ સારવાર આપતી એવી એશિયાની પ્રથમ કક્ષાની જામનગર શહેરની આયુર્વેદ યુનિવર્સિટી છે. જુના જામનગર રાજ્યના મોભી એવા જામનગરના રાજવી પરિવાર દ્વારા આ આયુર્વેદ યુનિવર્સિટીને વિશાળ કહી શકાય તેટલી જમીન દાનમાં આપી છે. તેમજ આ આયુર્વેદ પદ્ધતિમાં જામનગર રાજવી કુટુંબ પણ ભારે આદર ધરાવે છે. જેમના સાથ તથા સહકારથી અહીં જામનગર શહેરની આન, બાન અને શાન સમાન આયુર્વેદ ચિકિત્સાલય, હોસ્પિટલ અને વિશાળ આયુર્વેદ કોલેજનો વિકાસ થયો છે.
ભારત સરકારનું આયુષ મંત્રાલય અને નીતિ આયોગ દ્વારા આયુર્વેદ યુનિવર્સિટીને નેશનલ યુનિવર્સિટીનો દરજ્જો આપવાનું વિચારાયું હોવાની વાતો સાંભળવા મળેલ છે, પરંતુ આયુર્વેદ યુનિવર્સિટીના વડા ઉપકુલપતિ વૈદ્ય સંજીવ ઓઝાનો સંપર્ક કરતા તેઓ દ્વારા આયુર્વેદ યુનિવર્સિટીના સ્થળાંતર બાબત કોઈ જાણકારી તબક્કે નહીં હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ અમારી જાણ તથા ખાનગી રાહે મળેલ માહિતી મુજબ આ જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને જામનગરથી ખસેડી ગાંધીનગરના કોલવાડામાં ખસેડવાની સરકારે તૈયારી કરેલ હોવાનું જાણવા મળ્યું છે. જે બાબતમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોક પ્રતિનિધિ તરીકે મારો સખત વિરોધ છે.
આમ છતાં પણ જો આ આયુર્વેદ યુનિવર્સિટીનું સ્થળાંતર જામનગરથી અન્યત્ર થશે તો જામનગર શહેરમાં વિરોધનો મોટો વંટોળ ઊઠશે અને તે બાબતની સંપૂર્ણ જવાબદારી આવો નિર્ણય કરતા આ ભાજપની સરકારની રહેશે તેવું ભારપૂર્વક જાણ કરીએ છીએ. વધુમાં આવો નિર્ણય હાલમાં કે ભવિષ્યમાં પણ નહીં કરવા માંગણી છે.