‘અબતક’ની ઝુંબેશને જનતા, સંસ્થાઓ સાથે રાજકીય ટેકો મળ્યો
નાગમતી નદીમાથી કેનાલ બની ગઇ: દબાણો હટાવી શુધ્ધિકરણ કરવાની જરૂર
સરકાર, મ્યુ તંત્રને બે પ્રોજેકટ માત્ર કાગળ પર જ રહી ગયા!!
શહેરની નાગમતી નદીને બચાવવા માટે ‘અબતક’ દૈનિક હાથ ધરેલી ઝુંબેશને મહાપાલિકા વિરોધપક્ષે પણ ટેકો આપ્યો છે અને નદી બચાવવા તંત્ર દ્વારા પગલા ન લેવાયતો જલદ આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી આપી છે.
જામનગરની એક સમયની વિખ્યાત અને હાલ નર્કાગાર સ્થિતિમાં પહોંચી ગયેલી નાગમતી નદીના મુદ્દે અબતક દૈનિક દ્વારા છેલ્લા ત્રણ દિવસી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે સતત ત્રણ દિવસથી આ મુદ્દે અબતક દૈનિક નદીની ધારા તેમજ વિવિધ સ્થળોએ થયેલા દબાણોના તસવીરો સહિતના અહેવાલો પ્રસિદ્ધ કરી રહ્યું છે અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ અનેક નગરજનો સેવાભાવી સંસ્થાઓ તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા અબતક દૈનિકને તેમના અભિપ્રાય તેમજ મંતવ્યો જણાવ્યા હતા આ ઝુંબેશ દરમિયાન પ્રસિદ્ધ કરાયેલા અહેવાલોમાં ક્રમશ આવરી લેવામાં આવ્યા છે.
એક સમયની પ્રખ્યાત આ નદીના તટ પર દર વર્ષે શ્રાવણ માસ આવતા જામનગર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે આ સમય દરમ્યાન જામનગર શહેરના નગરજનો આ નદીના તટ પર આવેલા આ શ્રાવણી મેળાનો રંગેચંગે લાભ લે છે પરંતુ અવિરત પણે નદી માં વધી રહેલા પ્રદૂષણ અને દબાણને લીધે આ નદી પોતાનું અસ્તિત્વ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે જામનગરમાંથી જ બે બે કેબિનેટ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓ છે સાથે જ શાસક પક્ષમાં બિરાજતા મોટા કદના નેતાઓ પણ વર્તમાન સરકારના જ હોદ્દેદારો છે પરંતુ વર્ષ ૧૯૮૦ બાદ જાણે કે આ નદીનો દિનપ્રતિદિન પતન જ શરૂ થયું હોય તેમ રોજ આ નદીમાં પ્રદૂષણ વધતો જ જાય છે સાથે જ ઔદ્યોગિક એકમો પણ આ નદીમાં તેમના વેસ્ટ નાખતા ખચકાતા નથી નદીના કિનારાઓ પર તંત્ર તેમજ મોટા માથાના હાથ નીચે દબાણ પણ અટકવાનું નામ જ લેતું નથી એક સમયના આ નદીના વ્યાપ ની સામે આજની વાસ્તવિક સ્થિતિ સમીક્ષા કરવામાં આવે તો હાલ જે સ્થિતિ છે તેને એક માત્ર નાનકડી કેનાલ સમી આંકી શકાય આ મુદ્દે ત્વરિત નિર્ણયો લઇ નદીના શુદ્ધિકરણ તેમજ દબાણ હટાવવાની કામગીરી સત્વરે યોજવી જોઇએ તેવી લોક લાગણી પણ ઉઠવા પામી છે.
નદી મુદ્દે વાત કરતા પણ સંકોચની લાગણી અનુભવું છું: અલતાફભાઇ ખફી
નાગમતી નદીના અહેવાલો પ્રસિદ્ધ યા બાદ જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફી એ જણાવ્યું હતું કે આ નદી અમારા જ વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે આ મુદ્દે વાત કરતા સંકોચ ની લાગણી અનુભવી રહ્યો છું અમે લોકોએ આ જાડી ચામડી વાળા શાસક પક્ષ ના પદાધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી છે જનરલ બોર્ડમાં આ મુદ્દાને મેયર તેમજ અન્ય પદાધિકારીઓ ની સામે પણ રાખ્યો છે સાથે સાથે સ્થાનિક લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અમે લોકોએ સહી ઝુંબેશ પણ ચલાવી હતી જેમાં આશરે ૧૦,૦૦૦ જેટલા લોકોની સહી સાથે ની રજૂઆત અમે આ પદાધિકારીઓને આપી હતી પરંતુ એક પણ સત્તાધીશ ના પેટમાં પાણી પણ હલતું નથી વિશ્વ બેંક તરફથી સાથે કરોડ જેટલી રકમ આ નદી માટે આપવામાં આવી હતી પરંતુ અણધડ વહીવટને લીધે તેનો હેડ જ બદલી નાખવામાં આવ્યો નદીની આજુબાજુમાં અનેક સોસાયટીઓ તેમજ રહેણાંક મકાનો આવેલા છે આ નદી હવે પ્રદૂષણને લીધે હાલ મારી દ્રષ્ટિએ તો માત્ર મચ્છર પેદા કરતી ગટર બની ચૂકી છે જેના લીધે નદી ની આજુબાજુ માં આવેલ રહેણાંક વિસ્તારો તેમજ સોસાયટીઓમાં રહેતા લોકોના આરોગ્ય પર ગંભીર જોખમ પણ ઉભો થવા પામ્યો છે
સરકાર તેમજ મહાનગરપાલિકામાં શાસક પક્ષના પદાધિકારીઓએ સુજલામ સુફલામ યોજના તેમજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ના નામની માત્ર પોકળ વાતો જ કરેલી છે અને આ બંને પ્રોજેક્ટ માત્ર લોલીપોપ સમાન જ હતા મહાનગરપાલિકાએ આ મુદ્દે સેવાભાવી સંસ્થાઓ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ વિગેરેને આહ્વાન કરવું જોઈએ તો સેવાભાવી સંસ્થાઓ તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ સાથે જ શહેરીજનો પણ આ નદી બચાવો અભિયાનમાં સહર્ષ જોડાશે.
જો શાસક પક્ષ આ મુદ્દે નદીના બચાવમાં આગળ આવશે તો વિરોધ પક્ષ બધા જ સભ્યો સહિત આ અભિયાનમાં ખભેથી ખભો મિલાવી શાસક પક્ષની સાથે રહેશે માત્ર એટલું જ નહીં પણ આ તમામ કાર્યવાહીના શ્રેય પણ અમે શાસક પક્ષને આપશું અને તેમનું ફુલહારી સ્વાગત કરશું.
નજીકના ભવિષ્યમાં જો આ નદી આવી જ સ્થિતિમાં રહેશે તો વિરોધ પક્ષ આ મુદ્દે જલદ તેમજ આશ્ચર્યજનક વિરોધ કરશે જેની સંપૂર્ણ જવાબદારી આ નિંભર તંત્ર તેમજ શાસક પક્ષના હોદ્દેદારો ની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.