રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ, દાણાપીઠ અને પરાબજાર સહિતની મુખ્ય બજારો બંધ રહી જેતપુરમાં વેપારીઓની સ્કુટર રેલીઉપલેટા, જૂનાગઢ, કેશોદ પણ સજ્જડ બંધ
જીએસટીના ઉંચા દરો, આકરી જોગવાઈ નાના વેપારીઓની રોજગારી છીનવી લેશે: વેપારી આલમમાં ભભૂકતો રોષ
આગામી ૧લી જુલાઈથી અમલમાં આવી રહેલા ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)માં વેરાનો ખુબ જ ઉંચો દર તથા અનેક વિસંગતતાઓ સામે સૌરાષ્ટ્રના વેપારી આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જીએસટીના વિરોધમાં આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામોએ સજ્જડ બંધ પાળી આવેદનપત્ર આપ્યું હતું.
જીએસટીમાં કાપડ પર ૧૮ ટકા સુધીનો ઉંચો દર રાખવામાં આવતા ઓલ ઈન્ડિયા ટેકસટાઈલ એસોસિએશન દ્વારા આજે ૧૫મી જુને ભારતભરમાં કાપડ ઉધોગ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે આજે સૌરાષ્ટ્રમાં ઉપલેટા, જેતપુર, કેશોદ, જુનાગઢ, ભેંસાણ સહિતના ગામોમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. આ ઉપરાંત જણસી પર પણ લાદવામાં આવેલા જીએસટીના વિરોધમાં ઓલ ઈન્ડિયા માર્કેટસ યાર્ડ દ્વારા બંધનું એલાન અપાયું હતું. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડ જોડાયા હતા. દલાલ મંડળો આજ યાર્ડમાં કામગીરીથી અળગા રહ્યા હતા.
રાજકોટમાં ગઈકાલે મોડીરાતે વેપારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં આજે બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જી.એસ.ટી.ના વિરોધમાં આજે રાજકોટની દાણાપીઠ, પરાબજાર, બંગડી બજાર સહિતની મોટાભાગની બજારો બંધ રહી છે. જીએસટીથી વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે છતાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત કહેવાતી વેપારીઓની સંસ્થાઓનું વલણ ખુબ જ ઠંડુ છે. ચેમ્બર દ્વારા બંધ આપવાની વાત તો દુર રહી બંધને સમર્થન આપવાની પણ તસ્દી લેવામાં આવી નથી. આજે સવારે રાજકોટમાં દાણાપીઠ, પરાબજાર સહિતની મુખ્ય બજારો સજ્જડ બંધ રહી હતી. જુનાગઢમાં વેપારીઓએ કાળવા ચોકથી એક રેલી યોજી જીએસટીના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું. જેતપુરમાં વેપારીઓએ બાઈક રેલી કાઢી હતી.
જીએસટીની અમલવારીના આડે હવે એક પખવાડીયુ જ બાકી રહ્યું છે ત્યારે વેપારી આલમમાંથી વિરોધ વંટોળ ઉઠતા કેન્દ્ર તથા રાજય સરકાર ભીંસમાં મુકાય તેવી શકયતા નકારી શકાતી નથી. અગાઉ જે ક્ષેત્રોમાં કોઈ ટેકસ ન હતો તેવા ક્ષેત્રને પણ જીએસટીમાં આવરી લેવાયા છે અને આકરો વેરો લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત જીએસટીનું રિટર્ન ફાઈલ કરવા સહિત પ્રશ્ર્ને પણ અનેક વિસંગતતા હોવાના કારણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.