રાજ્યસભાની ચૂંટણીનું કોકડું ગૂંચવાય નહીં તે માટે જાણીબૂઝી તમામ ધારાસભ્યોને રિપિટ કરવાની જાહેરાત કરવામાં આવી!
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે તમામ ૫૭ સીટિંગ ધારાસભ્યોને રિપીટ કરવાની જાહેરાત કરી છે, જોકે આ જાહેરાત બાદ ૫૭ પૈકી ૧૬ જેટલા ધારાસભ્યોને રિપીટ કરવા સામે કોંગ્રેસમાં જ વિરોધ વંટોળ ઊભો થયો છે.
કોંગ્રેસના સહપ્રભારીઓ, નિરીક્ષકો, પ્રદેશ કોંગ્રેસ સહિતના વિવિધ સ્તરે સ્થાનિક કોંગી આગેવાનો કે હરીફોએ રજૂઆત કરી રિપીટ કરવાની જાહેરાત સામે નારાજગી વ્યક્ત કરી નવાને અથવા પોતાને તક આપવા લાગણી વ્યક્ત કરી છે.
કોંગ્રેસના સૂત્રો કહે છે કે, રાજ્યસભાની ચૂંટણીનું કોકડું ગૂંચવાય નહિ તે માટે જાણીબૂઝી તમામ ધારાસભ્યોને રિપીટ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
૫૭ પૈકી ૧૬ જેટલા સીટિંગ ધારાસભ્યોને રિપીટ કરવા સામે હરીફોએ વાંધો ઉઠાવ્યો છે. ધાનેરામાં જોઈતા પટેલ જોઈતા નથી એવી લાગણી તેમના હરીફોએ વ્યક્ત કરી છે.
કાંકરેજ બેઠકના ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાની ઉંમર થઈ છે તેવી દલીલ સાથે રિપીટ નહિ કરવાનો સૂર ઊઠયો છે.
એ જ રીતે અલગ અલગ કારણ સાથે દાંતા બેઠક પર કાંતિ ખરાડી, વડગામ મણિ વાઘેલા, કડી રમેશ ચાવડા, ભીલોડા ડો. અનિલ જોષીયારા, સાણંદ કરમશી પટેલ, દાણીલીમડા શૈલેષ પરમાર, દરિયાપુર ગ્યાસુદીન શેખ, ખંભાળિયા મેરામણ ગોરિયા, પાલિતાણા પ્રવીણ રાઠોડ, બાલાશિનોર માનસિંહ ચૌહાણ, લુણાવાડા હીરા પટેલ, ઝાલોદ મિતેષ ગરાસિયા, વ્યારા પુના ગામિત અને વાંસદા બેઠક પર જિતુ ચૌધરીને રિપીટ કરવા વિરુદ્ધ રજૂઆત કરી ઉમેદવાર બદલવા કહેવામાં આવ્યું છે.
આ રજૂઆત અંગેનો રિપોર્ટ હાઈકમાન્ડને સુપરત કરાયો છે. મહત્ત્વનું છે કે, આ સીટિંગ ધારાસભ્યો વાળી બેઠક પર કેટલીક બેઠકોને બાદ કરતાં દાવેદારોની સંખ્યા ૮થી ૧૦ જેટલી જોવા મળે છે