૧૦મીએ કાળી પટ્ટી ધારણ કરશે, ૧૭મીએ પેનડાઉન, ૨૯મીએ માસ સીએલ અને ૨ ઓકટોમ્બરે ધરણાનું આયોજન: કલેકટરને આવેદન
વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે તલાટી-કમ મંત્રીઓ આગામી તા.૧૦થી વિરોધદર્શક કાર્યક્રમો યોજશે જેમાં ૧૦મીએ કાળી પટી ધારણ કરશે. બાદમાં ૧૭મીએ પેનડાઉન, ૨૯મીએ માસ સીએલ અને ૨ ઓકટોમ્બરે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે. રાજય કક્ષાએ આ પ્રકારે વિરોધ દર્શક કાર્યક્રમો યોજીને વિરોધ નોંધાવવામાં આવનાર છે. આ અંગે રાજકોટ જિલ્લા તલાટી-કમ મંત્રી મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટરને રજૂઆતમાં જણાવાયું હતું કે, તલાટી કમ મંત્રી સર્વધનને ઘણા વર્ષથી અન્યાય થાય છે અને બઢતીની તકો પણ ઓછી હોવાની રજૂઆતને ધ્યાનમાં લઈ સર્કલ ઈન્સ્પેકટરની જગ્યા વિસ્તરણ અધિકારી સંવર્ગમાં અપગ્રેડ કરવાના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના ઠરાવમાં પગાર ધોરણમાં થતાં અન્યાયને દૂર કરવા જણાવાયેલ છે. તલાટી-કમ મંત્રી સંવર્ગને પણ અન્ય સવર્ગની જેમ અપગ્રેડેશન જેવા વિસ્તરણ અધિકારી સંવર્ગને મળતા તમામ નાણાકીય તથા બઢતીના લાભો આપવામાં આવે.
તલાટી કમ મંત્રીના વિસ્તરણ અધિકારી પંચાયત, સહકાર, આંકડા, નાયબ ચિટનીશની જગ્યાએ બઢતી આપવામાં આવે. તલાટી-કમ મંત્રીમાં ફિકસ પગારથી થયેલ તમામ કર્મચારીની નિમણૂંક તારીખથી જ સેવા સળંગ ગણવામાં આવે. એક જ સંવર્ગમાંથી ઉભી કરેલ જગ્યાની કામગીરીની વહેંચણી સમાન ધોરણે ન થાય ત્યાં સુધી તલાટી કમ મંત્રી દ્વારા મહેસુલી કામગીરી કરવામાં આવશે નહીં. આ સહિતના તમામ પડતર પ્રશ્નોને લઈને રાજયભરના તલાટી કમ મંત્રીઓ ૧૦મીથી વિરોધ દર્શક કાર્યક્રમો આપવાના છે.