ન્યાય પ્રણાલીમાં ઉપસેલા મતભેદો બાદ મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા સામે બજેટ સત્રમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની સંભાવના
આઝાદી બાદ ઈતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશો દ્વારા માધ્યમો સામે આવીને ચિફ જસ્ટીસ દિપક મિશ્રાની વહીવટી કાર્યશૈલી પર સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ આ મુદ્દો રાજકીય રૂપ ધારણ કરતો જાય છે. હવે આ મામલામાં વિપક્ષો બજેટ સત્રમાં ચિફ જસ્ટીસ પર મહાભિયોગનો પ્રસ્તાવ લાવી શકે છે તેવા સંકેતો સીપીએમ મહાસચિવ સીતારામ યચુરીએ આપ્યા છે.
યચુરીએ આ મામલે કહ્યું છે કે, અમે મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા મામલે વિપક્ષો સાથે ચર્ચા કરી રહ્યાં છીએ. બજેટ સત્રમાં મુખ્ય ન્યાયમૂર્તિ પર મહાભિયોગનો પ્રસ્તાવ લાવી શકાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચારેય ન્યાયાધીશોએ વ્યવસ્થાગત ખામી સાથે જોડાયેલો ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. સંસદનું બજેટ સત્ર ૨૯મી જાન્યુઆરીથી શ‚ થઈ રહ્યું છે. ૯ ફેબ્રુઆરી સુધી ચાલનાર આ બજેટ સત્રના પ્રથમ ચરણમાં ૧ ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનું બીજુ ચરણ ૫ ફેબ્રુઆરીથી ૬ એપ્રિલ સુધી ચાલશે.
દેશના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા વિરુધ્ધ બજેટ સત્રમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની સંભાવનાઓ પર વિપક્ષી પાર્ટીઓ વિચાર-વિમર્શ કરી રહી છે. મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગ લાવવાની ઘટના કયારેક જ જોવા મળતી હોય છે. જો વિરોધ પક્ષો આ મુદ્દે મુદ્દો વધુ ઉપાડશે તો ન્યાય તંત્રમાં મોટાપાયે તિરાડ પડશે તેવું માનવામાં આવી રહ્યું છે