યુનિવર્સિટીના 56માં સ્થાપના દિનના કાર્યક્રમમાં રાજદીપસિંહ જાડેજાનો અનોખો વિરોધ: 6 વિરૂધ્ધ ગુનો નોંધાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં સ્થાપન દિનના ચાલુ કાર્યક્રમમાં કોંગી સેનેટ સભ્ય ડો.રાજદીપસિંહ જાડેજાએ સ્ટેજ પર ચડી કુલપતિ ડો.ગીરીશ ભીમાણીનો વિરોધ કર્યો હતો. જ્યારે અન્ય કાર્યકર્તાઓએ હાય… હાય…ના નારા લગાવ્યા હતા. જેથી તાકીદે પોલીસ દોડી આવી હતી

અને તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. જેમાં 6 કાર્યકર્તા વિરૂધ્ધ યુનિવર્સિટી દ્વારા ફરિયાદ દાખલ થયા બાદ ગુનો નોંધાયો છે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોંગી સેનેટ સભ્ય ડો.રાજદીપસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સેનેટની મુદ્ત પૂર્ણ થઇ ગઇ હોવા છતાં કુલપતિ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડતા નથી.

ભાજપની અંદરો-અંદરની લડાઇની લીધે આ ઘમાસાણ થઇ રહ્યું છે. તાકીદે સેનેટની ચૂંટણી યોજાઇ અને લોકશાહી જીવંત રહે એ માટે અમે અનેક વખત રજૂઆતો પણ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત અમારે અનોખો વિરોધ નોંધાવવો પડ્યો છતાં પણ હજુ સેનેટની ચુંટણી મુદ્ે કોઇ નિર્ણય આવ્યો નથી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં માત્ર યુથ કોંગ્રેસ જ નહિં પરંતુ રાજકોટ જિલ્લા કોંગ્રેસ લોકશાહીને બચાવવા લડત લડશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ પણ નોંધાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.