225 સભ્યોની સંસદમાં ફક્ત એક સીટ ધરાવતા યુનાઇટેડ નેશનલ પાર્ટીના રાનીલ વિક્રમસિંઘે નવા પ્રધાનમંત્રી બન્યા
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને નવા પ્રધાનમંત્રી મળી ગયા છે. યુનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. શ્રીલંકાની 225 સભ્યોની સંસદમાં રાનિલ વિક્રમસિંઘેની પાર્ટી યુનાઇટેડ નેશનલ પાર્ટીની માત્ર એક સીટ છે, પરંતુ તેઓ દેશના પ્રધાનમંત્રી બની ગયા છે. આર્થિક કટોકટીના સમયે શ્રીલંકાની પ્રજામાં રોષ ફાટી નીકળ્યો છે.
ઠેર ઠેર હિંસાની ઘટનાઓ બની રહી છે તેવા સમયે જ્યારે વિક્રમસિંઘે કાંટાળો તાજ ગ્રહણ કર્યો છે ત્યારે મોટો સવાલ એ છે કે, શું તેઓ શ્રીલંકા અને ત્યાંની પ્રજામાં લાગેલી આગને બુઝાવી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકશે ? રાનિલ વિક્રમસિંઘે ચાર વખત શ્રીલંકાના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. ઓક્ટોબર 2018માં તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ તેમને પ્રધાનમંત્રી પદેથી હટાવી દીધા હતા, પરંતુ બે મહિના બાદ ફરી તેમને આ પદ પર બહાલ કરી દેવામાં આવ્યા હતા. વિક્રમસિંઘેને અંતરિમ સરકારનું નેતૃત્વ કરવા માટે તમામ દળોનું સમર્થન પ્રાપ્ત છે. તેમની સરકાર છ મહિના સુધી ચાલી શકે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સત્તામાં રહેલ શ્રીલંકા પોદુજાના પેરામુના (એસએલ પીપી), વિપક્ષી સમગી જન બાલાવેગાયાના એક જૂથ અને અન્ય ઘણા પક્ષોએ સંસદમાં વિક્રમસિંઘેને બહુમત સાબિત કરવા પોતાનું સમર્થન આપ્યું છે. શ્રીલંકામાં નવા પ્રધાનમંત્રીની નિમણૂક પહેલા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કહ્યુ હતુ કે હું યુવા મંત્રીમંડળની નિમણૂક કરીશ, જેમાં રાજપક્ષે પરિવારના કોઈ સભ્ય હશે નહીં. અલગ પાર્ટીમાં હોવા છતાં રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને મહિન્દાના નજીકના ગણવામાં આવે છે. નિષ્ણાંતો કહી રહ્યાં છે એટલે જ તેમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે.