થોડા સમય પહેલા આપેલું રાજીનામું પ્રદેશ હાઈકમાન્ડ ટુંક સમયમાં સ્વીકારી લે તેવી સંભાવના: નવા નેતા માટે પાંચ મહિલા સહિત ૧૦ નગરસેવકોના નામો ચર્ચામાં
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પદેથી થોડા સમય પહેલા વશરામભાઈ સાગઠિયાએ પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ રાજીનામું ધરી દીધું હતું. વિધાનસભાની ચૂંટણી સહિતની બાબતોને ધ્યાનમાં લેતા હાઈકમાન્ડે તેઓનું રાજીનામું મંજુર કર્યું ન હતું હવે ટુંક સમયમાં સાગઠિયાનું રાજીનામું મંજુર કરી લેવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. નવા વિપક્ષી નેતા માટે પાંચ મહિલા સહિત ૧૦ નગરસેવકોના નામ ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહાનગરપાલિકા વિપક્ષી નેતા પદેથી વશરામભાઈ સાગઠિયાએ રાજીનામું આપતો પત્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીને મોકલી દીધો હતો. જોકે આજ સુધી તેઓનું રાજીનામું મંજુર કરવામાં આવ્યું નથી. આગામી જુન માસમાં મહાપાલિકામાં મેયર સહિતના પદાધિકારીઓની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પણ આજ સમયે નવા વિપક્ષી નેતાની નિમણુક કરે તેવી સંભાવના જોતા એવું લાગી રહ્યું છે કે, વશરામભાઈ સાગઠિયાનું રાજીનામું હાઈકમાન્ડ દ્વારા ટુંક સમયમાં મંજુર કરી લેવામાં આવશે.
મહાપાલિકામાં હવે પછી મેયરની અઢી વર્ષની ટર્મ મહિલા માટે અનામત છે. મહિલા મેયર સામે વિપક્ષી નેતા પણ મહિલાને બનાવવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. આવામાં પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના મહિલા અગ્રણી ઉર્વશીબેન પટેલ, વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, પારૂલબેન ડેર અને ધર્મિષ્ઠાબા જાડેજા સહિતના પાંચ મહિલા કોર્પોરેટરોના નામ ચર્ચામાં છે. જો વિપક્ષી નેતા તરીકે કોંગ્રેસ પુરુષ નગરસેવકની પસંદગી કરે તો પણ હાલ પાંચ નામો ચર્ચાઈ રહ્યા છે. જેમાં વર્તમાન ઉપવિપક્ષી નેતા મનસુખભાઈ કાલરીયા ઉપરાંત વિજયભાઈ વાંક, ઘનશ્યામસિંહ જાડેજા, અતુલભાઈ રાજાણી અને દિલીપ આસવાણીના નામ ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં કોંગ્રેસે વિપક્ષી નેતાની મુદત એક વર્ષની રાખી હતી અને પાંચ વર્ષમાં પાંચ નગરસેવકોની વિપક્ષી નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. વર્તમાન ટર્મમાં કોંગ્રેસે મેયર બદલે ત્યારે જ વિપક્ષી નેતાને પણ ફેરવવામાં આવશે તેવી વ્યુહ રચના રાખી છે જેના કારણે મેયરની માફક વિપક્ષી નેતાની મુદત પણ અઢી વર્ષની રાખવામાં આવી છે. વિપક્ષી નેતાની મુદત ભલે જુન માસમાં પૂર્ણ થતી હોય પરંતુ વશરામ સાગઠિયાએ અગાઉથી જ રાજીનામું આપી દીધું છે જે ટુંક સમયમાં મંજુર કરી દેવામાં આવશે.