વાલીઓનાં ટોળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ રજૂઆત કરવા પહોચ્યા
આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીના ધક્કા ખાઈ રહ્યાં છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભર્યા બાદ ટેક્નિકલ ક્ષતિઓનો હવાલો દઈને ફોર્મ રિજેક્ટ કરી દેવાતા વાલીઓના ટોળાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી ખાતે ધસી ગયા હતા.
વાલીઓએ પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે, અમે અગાઉ આખું ફોર્મ વ્યવસ્થિત ભરીને, તમામ આધાર-પુરાવા જોડીને અહીં જમા કરાવી ચુક્યા છીએ. જેમાં હવે એક અથવા બીજા કારણોસર રિજેક્ટ કરી દેવાઈ રહ્યા છે. કોઈના ફોર્મમાં સહી નથી તો કોઈમાં આંગણવાડીનો સિક્કો મારેલો નથી તો કોઈ ફોર્મમાં આંગણવાડી દ્વારા બાળકની ઉંમરનો દાખલો જોડવામાં આવ્યો નથી તેવા હવાલા આપીને ગરીબ વર્ગના લોકોના ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવ્યા છે. અમે અહીં અમારી રજુઆત લઈને આવ્યા છીએ કે, આંગણવાડી દ્વારા કાઢી આપવામાં આવતો બાળકની ઉંમરનો દાખલો જોડવાની જાણ અમને 7મી જુલાઈના રોજ મેસેજ મારફત કરવામાં આવી છે.
પરંતુ અમે તો 5મી જુલાઈએ જ ફોર્મ રજૂ કરી દીધેલું છે તો તેમાં આંગણવાડનો દાખલો ક્યાંથી હોવાનો. હવે આવા બહાના આપીને અમારા બાળકોના પ્રવેશ અટકાવી દેવામાં આવ્યા છે જેથી અમે અહીં રજુઆત કરવા આવ્યા છીએ તેવું વાલીઓએ જણાવ્યું હતું. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, લાગવગ ધરાવતા વાલીઓના બાળકોના ફોર્મ મંજુર કરી દેવામાં આવ્યા છે જ્યારે ગરીબવર્ગ મજબૂર લોકોના ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવ્યા છે.તો શું ગરીબનો બાળક ભણી શકે નહીં? તેવો પ્રશ્ન વાલીઓએ કર્યો હતો.