વિરોધ પ્રદર્શન કરનારા ગ્રામજનો પર લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડતી પોલીસ: અનેક ઘવાયા
તળાજા તાલુકામાં કેટલાક ગામોના લોકો દ્વારા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા હાથ ધરાયેલા માઇનીંગ કામનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ દર્શાવવા ગ્રામજનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી પડયા હતા. આ વેળાએ પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાતા અનેક પોલીસ જવાનો તેમજ ગ્રામજનો ઇજાગ્રસ્ત પણ થયા હતા.અંતે પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડયા હતા.
સરકાર દ્વારા અલ્ટ્રાટેક કંપનીને નીચા કોટડામાં માઇનીંગ કરવા માટે મંજુરી આપી દેવામાં આવી છે. જેથી ખેડુતો અને ખેત મજુરો પોતાની ફળદ્રુપ જમીન બચાવવા માટે વિરોધ કરી રહ્યા છે. માળનીંગના કારણે આસપાસનો ખેતરોમાં નુકશાન પહોચવાની ભીતી હોવાથી ખેડુતોએ અનેકવાર તંત્રને રજુઆત પણ કરી છે.આમ છતાં તંત્ર દ્વારા કોઇ નિર્ણય લેવામાં ન આવતાં તેમજ કંપની દ્વારા માઇનીંગ શરુ કરાતા ખેડુતોએ વિરોધ નોંધાવ્યો હતો.અને માઇનીંગ કામ રોકવાનો પ્રયત્ન કરાતા મામલો ગરમાયો હતો.
તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક હેઠળ આવતા તલ્લી, નીચા કોટડા, ભાભર સહીતાના ૧૩ ગામોમાંથી ૧પ૦૦ લોકો ટોળા સ્વરુપે ઘટના સ્થળે પહોચ્યા હતા. આ દરમિયાન પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ર૭ જેટલા ટીયર ગેસના સેલ પણ છોડયા હતા.આ સાથે લાઠીચાર્જ પણ કર્યો હતો જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
હાલ આ મામલો છેક ગાંધીનગર સુધી પહોચતા ત્યાંથી તપાસનાં આદેશો મળ્યા હોવાનું જાણવા મળેલ છે.