કોરોનાનો કહેર વિશ્ર્વભરમાં છવાયો છે ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકડાઉનનો સમય કંઇ રીતે પસાર કરવો તે દરેક વ્યકિત માટે સમસ્યાનું બની છે. આ ઉપરાંત હાલમાં રેસ્ટોરેન્ટ લોકડાઉન હોવાથી તમામ જવાબદારી ગૃહીણી પર આવી ગઇ છે તેથી હાલમાં મહિલાઓ નવી નવી વાનગીઓ બનાવી પરિવારને પીરશી રહ્યા છે.
ત્યારે ખાસ અબતકની ટીમ દ્વારા વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.
સામાજીક પરિવારની જવાબદારી ઉત્સાહ સાથે નિભાવું: જયોતિબેન ટીલવા
અબતક સાથેની વાતચીત દરમિયાન જયોતિબેન ટીલવાએ જણાવ્યું હતું કે આ એકવીસ દિવસનું લોકડાઉન અમારા પરિવાર માટે ખુબ જ અગત્યનું કહી શકાય. પહેલી વખત એવું બની રહ્યું છે કે પુરો પરિવાર સાથે ઘરે સમય વિતાવે છે. મારા પરિવારમાં બધા જ ફુડી છે. બધાની ફરમાઇશો જુદી જુદી હોય જેમ કે ગુજરાતી રોટલી, રોટલા, શાક સહિત ફાસ્ટ ફુડ પણ બનતું હોય છે જેમાં મારી દિકરીઓને સેન્ડવીચ, ચાઇનીઝ, પંજાબી બધું ભાવતું હોય તો બધા સાથે મળીને બનાવીએ અમે ઘરમાં ઘણી બધી પ્રવૃતિઓ પણ કરીએ જેમ કે ડિબેટ કરતા, પોતાના વિચારો રજુ કરીએ ઇન્ડોર ગેઇમ્સ રમીએ, મારી દિકરીઓને નવું નવું શિખવું હોય તો તેમને હું શિખવાડું છું. આ બધુ કરતાની સાથે બહાર ગરીબ તથા જરુરીયાત મંદ લોકોને અમારી સંસ્થા દ્વારા ભોજન વિતરણ પણ કરવામાં આવે છે. એટલે મારી સામાજીક અને પરિવારની તમામ જવાબદારી ખુબ જ આનંદ, ઉત્સાહ સાથે નીભાવી રહી છે.
વાનગી બનાવવાનો શોખ લોકડાઉનમાં પૂર્ણ થયો: બિનાબેન મીરાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન બિનાબેન મીરાણીએ જણાવ્યું હતું કે કોરોનાને રોકવા અટકાવતો ફેલાવા ર૧ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. આ ર૧ દિવસને પરિવારનું મીલન કહી શકાય. મને સ્વાદિષ્ટ રસોઇ બનાવવાનો ખુબ જ શોખ છે. ઘરમાં દરેકના વ્યસ્ત શેડયુલને કારણે આટલો સમય સાથે રહેવાનો મોકો મળતો નહતો. ત્યારે હાલના લોકડાઉનથી આ સુંદર સમય મળ્યો છે. બધાની જુદી જુદી ફરમાઇશો હોય જેમાં મારા પતિદેવને પાઉભાજી, સેન્ડવીચ સહીતનું ફાસ્ટ ફુડ બહુ ભાવે છે. તેથી તેમની પસંદની આઇટમ તથા બાળકોને ભાવતી વાનગી પણ બનાવું છું.ે ઘરમાં સાથે મળીને વિવિધ રમતો રમીએ ગીતો ગાઇએ, પુસ્તકો વાંચીએ, ચર્ચાઓ કરીએ તેવી રીતે આનંદથી કયા સમય પસાર થઇ જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. મારા માટે આ ર૧ દિવસ ખુબ જ યાદગાર રહેશે.