વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં રાજકારણને સેવાનું માધ્યમ ગણવામાં આવે છે. જાહેર જીવન અને રાજકીય પ્રવૃતિઓનું મૂળ હેતુ લોકતંત્ર અને મજબૂત રાષ્ટ્ર નિર્માણની સાથેસાથે નાગરિકોના અધિકારો સંપ્રાપ્તિનું છે. પરંતુ સમયાંતરે હવે રાજકારણએ સેવાથી વધુ લાભનું માધ્યમ હોવાની એક આભા ઉભી થઇ છે.

જેનાથી સજ્જન, શક્તિશાળી, કૌશલ્ય અને પ્રતિભાશાળી યુવાવર્ગ રાજકારણથી દૂર થતો જાય છે અને રાજકારણને શંકા નજરે જોવાય છે. સમાજમાં મોટાભાગે લોકો બાળકોને ભણાવી ડોક્ટર, એન્જીનીંયર અને વહીવટી અધિકારી બનાવવાની વાતો કરે છે કોઇને એમ કહેતાં નથી સાંભળ્યા કે મહેનતથી ભણો, હોશિંયાર થાઓ તમને રાજકારણમાં મોકલવા છે. હવે દેશની આ માનસિકતા બદલવાનો સમય આવી ગયો છે.

દેશનું લોકતંત્ર-75માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે રાજકારણમાં વધુને વધુ નવલોહિયા યુવાનો જોડાઇ તે આજના સમયની માંગ છે. લોકતંત્રમાં રાજકીય ક્ષેત્ર મહત્વનું પરિબળ ગણવામાં આવે છે. રાજકારણમાં વહીવટી સંચાલન માટે અખૂટ આત્મશક્તિ, નિર્ણયશક્તિ અને કાર્યશક્તિની ઉર્જા જરૂરી બને છે. સાંપ્રદાય સમયમાં દેશના રાજકારણમાં મોટાભાગે પીઢ અનુભવી અને મોટી ઉંમરના નેતાઓ નેજ સમગ્ર દેશની વહીવટી રાજકીય ધૂરાનો બોજ ઉઠાવવો પડે છે.

લગભગ તમામ રાજકીય પક્ષોમાં યુવા કાર્યકરો અને નેતૃત્વની ખોટ વર્તાઇ રહી છે. રાજકારણમાં અને જાહેર સેવાક્ષેત્ર પ્રત્યે યુવા વર્ગનો અણગમો અને અભાવ દેશના વહીવટ, વિકાસ અને ભવિષ્ય નિર્માણ માટે મોટુ અવરોધ ઉભું કરનારું બને છે ત્યારે હવે રાજકારણમાં નવલોહિયાઓ માટે તક અને પૂરી જગ્યા ઉભી કરવાનો સમય આવી ગયો છે. તમામ રાજકીય પક્ષોને રાષ્ટ્રવાદની ભાવનાનો સ્વિકાર કરીને પક્ષમાં અને સક્રિય રાજકારણમાં જેમ બને તેમ વધુ નવલોહિયાઓને તક મળે તેવું અભિગમ અપનાવવો પડે. સમય હંમેશા પરિવર્તનશીલ છે.

જૂના વિચારો, જૂની વિરાસતો અને જૂની પેઢીના હાથમાંથી નેતૃત્વને નવા વિચારો, નવું ભવિષ્ય અને નવી પેઢીને આપવો જોઇએ. એવું નથી કે રાજકારણમાં મોટી ઉંમરના અનુભવીઓની કોઇ જરૂર જ નથી. જ્યાં કોઇ ન પહોંચે ત્યાં અનુભવીનો અનુભવ કામ આવે છે પરંતુ પક્ષનું સંચાલન અને નિર્ણયશક્તિ તો નવલોહિયાઓને જ આપવી જોઇએ. રાજકારણને દેશના વિકાસનું માધ્યમ ગણવામાં આવે છે. વિકાસ માટે શક્તિની જરૂર પડે અને આ શક્તિ નવલોહિયા યુવાનો, નવી વિચારધારા અને આત્મબળ ધરાવતી પેઢીમાંથી વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય. રાજકારણમાં અને જાહેર જીવનમાં વધુમાં વધુ યુવાનોને જોડવા જોઇએ. રાજકારણ માત્ર રાજકીય લાભ, હોદ્ા અને સત્તા ભોગવવા માટેના માધ્યમ નથી. રાજકારણએ સેવાનું માધ્યમ છે.

જે રાજકીય પક્ષ નવલોહિયાઓને તક આપવાનો અભિગમ અપનાવશે તેનું જ સમય સાથે બદલાવ થશે. જૂની રૂઢિ-રિવાજો, પ્રથા અને નેતૃત્વના વાડામાં ભરાઇ રહેનારી વિચારધારા કે પક્ષનું અસ્તિત્વ રહેતું નથી. હવે સમય પરિવર્તન અને યુવા નેતૃત્વની છે. દુનિયાના જે દેશોએ સમય સાથે વિકાસ પ્રાપ્ત કર્યો છે. તે તમામ દેશની શાસન વ્યવસ્થા અને જાહેર જીવનએ સમય મુજબ યુવા વર્ગને નેતૃત્વ સોંપવામાં ક્યારેય આળસ કરી નથી. યુવા નેતૃત્વના હાથમાં જ દેશની શાસન વ્યવસ્થા વધુ મજબૂત, ગતિશીલ અને સાચી દિશા પ્રાપ્ત કરી શકે. પરિવર્તન સંસારનો નિયમ છે. તે વાત સાંપ્રદના રાજકારણમાં જે પક્ષ સમયસર સમજી જાય તેનું અસ્તિત્વ બને. નવલોહિયાઓને તક આપવાથી જ રાજકારણ અને દેશની લોકશાહી વધુ યુવાન બની રહે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.