- રાજકોટ જિલ્લામાં ચાર તબક્કામાં યોજાયેલી મતદારયાદી ખાસ ઝુંબેશ સંપન્ન
- મતદારયાદી સુધારણાંની કુલ 1,23,253 અરજીઓ આવી
લોકશાહીના પાયાને મજબૂત કરવા માટે ચૂંટણીમાં જનભાગીદારી ઘણી મહત્વની સાબિત થતી હોય છે. જેને ધ્યાને લઈને ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સુધારણાં કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં તા. 21 અને 28 ઓગસ્ટ તેમજ તા. 4 અને 11 સપ્ટેમ્બર આમ કુલ ચાર રવિવારના રોજ મતદારયાદીમાં સુધારા અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી.
જે અન્વયે ગઈકાલ તા. 11 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ઈસ્ટ, વેસ્ટ, સાઉથ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, જેતપુર, ગોંડલ અને ધોરાજીમાં ચૂંટણીકાર્ડમાં નામ, ફોટા, જન્મતારીખ, સરનામું સુધારવાની સાથો સાથ ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા સહિતની કુલ 52,568 અરજી આવી હતી. જેમાં રાજકોટ ઈસ્ટમાં 3152, વેસ્ટમાં 4428, સાઉથમાં 4717, રાજકોટ ગ્રામ્યમાં 13518, જસદણમાં 6771, જેતપુરમાં 7666, ગોંડલમાં 4153 અને ધોરાજીમાં 8163 અરજીનો સમાવેશ થાય છે.
આ સમગ્ર ઝુંબેશ હેઠળ રાજકોટ જિલ્લામાં ચૂંટણીમાં મતદાનના મહત્વ અંગે મતદારોમાં સારી એવી જાગૃત્તા જોવા મળી છે. આ ઝુંબેશને સફળ બનાવતાં અત્યારસુધીમાં રાજકોટ જિલ્લામાં પહેલી જ વાર મતદારયાદીમાં નામ નોંધાવનારાની સંખ્યા કુલ 27,882 જેટલી નોંધાઈ હતી. તે પૈકી વિધાનસભાની બેઠકો ઉપર 18 થી 19 વયજૂથના નવા મતદારોની સંખ્યા 120891, 20 થી 29 વયજૂથના નવા મતદારોની સંખ્યા 10,250 નોંધાઈ છે. ઉપરાંત ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરાવનારની સંખ્યા 64565 તેમજ ચૂંટણીકાર્ડમાં નામ, ફોટો, જન્મતારીખ કે સરનામું સુધારવાની અરજીઓ 31, 187 જેટલી મેળવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ મતદારયાદી ખાસ સુધારણાં ઝુંબેશ અંતર્ગત વિધાનસભાની બેઠકોમાં તા. 21 ઓગસ્ટના રોજ 9650, તા. 28 ઓગસ્ટના રોજ 24,150, તા.04 સપ્ટેમ્બરના રોજ 36,885 અને તા. 11 સપ્ટેમ્બરના રોજ 52,568 એમ કુલ 1,23,253 વિવિધ અરજીઓ સ્વીકારવામાં આવી છે તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરની યાદીમાં જણાવાયું છે.