રાજકોટ ચેમ્બરના પ્રમુખ અને ઉપપ્રમુખે મુખ્યમંત્રી સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસ ખેડયો
ગુજરાત સરકારના ખાસ આમંત્રણથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ઉઝબેકીસ્તાન ગયેલ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિમંડળમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ તથા ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા જોડાયેલ અને ગુજરાત અને ઉઝબેકીસ્તાન વચ્ચે પારસ્પરીક વેપાર ઉદ્યોગના સંબંધો વિકસાવવા અંગે રહેલ પૂરતી શકયતાઓ અંગે ત્યાની સરકાર તથા ચેમ્બરના પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલ.
રાજકોટ ચેમ્બરના પ્રતિનિધિઓએ ગુજરાતનાં અને ખાસ કરી રાજકોટના ઔદ્યોગીક વિકાસનો ચિતાર આપી ઓટોપાર્ટસ, મશીનરી વગેરે ઉત્પાદનમાં ભારતમા આગવું સ્થાન રાજકોટ ધરાવે છે. તેમજ ઉઝબેકીસ્તાનમાં વેપાર ઉદ્યોગની વિપુલ તકો રહેલી છે. ત્યારે ઉઝબેકીસ્તાન સાથે વેપાર ઉદ્યોગ વિકસાવવા તેઓ ખૂબ તત્પર છે. આ પ્રક્રિયામાં જયાં પણ જરૂર જણાય ત્યાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મદદરૂપ બની બે દેશોનાં વેપાર ઉદ્યોગના વિકાસમાં સહભાગી બનશે. વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે આ પ્રવાસમાં વિવિધ સંસ્થાઓનાં સુત્રધારોને સાથે લઈ જવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે રાજકોટ ચેમ્બર આભારની લાગણી વ્યકત કરે છે. આ પ્રવાસ દરમ્યાન શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ રમેશભાઈ ટિલાળા તથા જી.આઈ.ડી.સી. લોધીકા ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ બીપીનભાઈ હદવાણી પણ સાથે જોડાયેલ હતા.