જીડીસીઆરનાં નિયમોનો ઉલાળીયો કરી બેનર્સ લગાવાયા, મહાપાલિકાનાં અધિકારીઓની સાંઠગાઠ હોવાનો આક્ષપ
શહેરમાં જીડીસીઆરનાં નિયમોનો ઉલાળીયો કરીને ઓપો અને વિવોના બેનર્સ મારવામાં આવ્યા છે. મહાપાલિકામાંથી કોઈપણ પ્રકારની મંજુરી વગર શહેરભરમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે. આ અંગે મ્યુનિ.કમિશનરને રજુઆત કરાતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી તેના વિરોધમાં મહાપાલિકાનાં વિપક્ષ નેતા વશરામ સાગઠીયા આવતીકાલે મ્યુનિ.કમિશનરની ચેમ્બરમાં ધરણા પર બેસશે.
વશરામ સાગઠિયાએ જણાવ્યું કે, ઓપો-વિવોએ જે બોર્ડ લગાડાયા છે તે જીડીસીઆરના નિયમ વિરુઘ્ધ છે. ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર વધારેમાં વધારે ૨૦/૪૦ ફુટના જ બેનર લગાવી શકાય પરંતુ રાજકોટમાં નાના રોડ ઉપર પણ ૨૦/૪૦ના અને મોટા રોડ ઉપર ૫૦/૫૦ તેમજ ૪૦/૪૦ના મોટા બેનરો મારી જીડીસીઆરના નિયમનો ખુલ્લેઆમ ભંગ કરેલ છે.
ઓપો અને વિવોએ કોર્પોરેશનનાં ૮ થી ૯ કરોડ ‚પિયા ડુબાડયા છે જે રાજકોટની જનતાના પૈસા છે. કોના ઈશારે કોર્પોરેશનના અધિકારીઓ પગલા લેતા નથી તે એક મોટો પ્રશ્ર્ન છે.
રાજકોટમાં ઓપો-વિવો ઉપર જેનો હાથ છે તેવા મોટા ગજાના રાજકારણી છે. નિયમ મુજબ મંજુરી વગર કોઈ બોર્ડ લગાડયું હોય તો તેની પાસેથી દંડ સાથે રકમ વસુલ કરવી જોઈએ. વિપક્ષની માંગણીના હિસાબે કોર્પોરેશને અમુક જગ્યાએ બોર્ડના પૈસા વસુલ કર્યા છે પરંતુ ૨૭૫થી વધુ જગ્યાએ બોર્ડ લાગેલા છે તેની સામે તંત્રએ આંખ આડા કાન કર્યા છે.