- સતત 36 કલાક સુધી દરિયામાં પેટ્રોલિંગ હાથ ધરી 7 રેડફોર્સની બોટ ઝડપી પાડી : અંતે મોકડ્રિલ જાહેર
1600 કિમી લાંબા દરિયા કાંઠાના વિસ્તાર સાથે ગુજરાત દેશભરમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે. સૌથી મોટો દરિયા કાંઠો હોવાથી રાજ્ય પાસે જળ પરિવહન ક્ષેત્રે અમૂલ્ય તકો છે પણ સિક્કાની બે બાજુની જેમ આટલા મોટા દરિયા કાંઠાનો ઉપયોગ ક્યાંક ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે પણ કરાતો હોય તે બાબતથી ઇન્કાર કરી શકાય નહિ. સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સ સહીતના માદક પદાર્થની હેરાફેરી માટે કરવામાં આવતો હોય તેવા અહેવાલ છાસવારે સામે આવતા હોય છે. ત્યારે દરિયાકાંઠાનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે ન થાય તેવા ઉદેશ્ય સાથે દરિયાઈ સુરક્ષાને લઇ ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં આવી છે.
ગીર સોમનાથ પોલીસે ઓપરેશન સાગર કવચ હેઠળ સતત 36 કલાક સુધી દરિયામાં પેટ્રોલિંગ હાથ ધરીને 7 જેટલી શંકાસ્પદ બોટ ઝડપી પાડી હતી. જે ઓપરેશનમાં ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહીત આખા જિલ્લાભરની પોલીસ જોડાઈ હતી. અંતે આ ઓપરેશનને મોકડ્રિલ જાહેર કરવામાં આવતા હાશકારો થયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર ગીરસોમનાથ જિલ્લાનો 100 કિમીથી ઓણ વધુ લાંબો સરહદી સાગર કિનારો હોય જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાની હેઠળ સોમનાથથી નવાબંદર સુધી સમગ્ર દરિયા મને ખૂંદી દરિયાઈ સુરક્ષા સુદ્રઢ અને સતર્ક છે તેની પ્રતીતિરૂપ ઓપરેશન સાગર સુરક્ષા કવચ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસવડાની સાથે નાયબ પોલીસ અધિક્ષક, એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એ બી જાડેજા સશીતની ટીમ, એસઓજી પીઆઈ જે એન ગઢવી સહીતની ટીમ, સંલગ્ન પોલીસ સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ, કોસ્ટગાર્ડના જવાનો સહિતના જોડાયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર ગત તા. 24 એપ્રિલના સવારે 6 વાગ્યાંથી તા. 25 એપ્રિલના રાત્રીના 8 વાગ્યાં સુધી સતત 36 કલાક સુધી ઓપરેશન સાગર કવચ હેઠળ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન પોલીસે આતંકવાદી કૃત્ય, માદક પદાર્થની હેરાફેરી કરતી સાત બોટ ઝડપી પાડી હતી. સમગ્ર ઓપરેશનને અંતમાં મોકડ્રિલ જાહેર કરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન દરમિયાન દૂરબીન, વાયરલેસ સેટ્સ, બેટરી, હથિયારી પોલીસ જવાનો, સરકારી વાહનો સ્ટેન્ડ બાય રહ્યા હતા.
શુ છે ઓપરેશન સાગર સુરક્ષા કવચ?
ઓપરેશન સાગર સુરક્ષા કવચ એટલે ભવિષ્યમાં દરિયાઈ માર્ગે કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિ કે ડ્રગ્સની હેરફર અથવા કોઈ પણ રાષ્ટ્ર્રવિરોધી પ્રવૃત્તિ થતી ધ્યાને આવે તો તેનો સામનો કરી જવાબી કાર્યવાહી કરી જડબેલાક કરી શકાય તેવા હેતુ સાથે આ ઓપરેશન માટે મોકડ્રિલ કરવામાં આવતી હોય છે. જેના માટે સમયાંતરે ડમી બોટને દરિયામાં મૂકી તેની શોધખોળ સહીતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
રાજ્યના કોઈ પણ છેડેથી આવતી શંકાસ્પદ બોટને શોધી કાઢવી એકમાત્ર ટાર્ગેટ
ઓપરેશન સાગર સુરક્ષા કવચ હેઠળ રાજ્યના કોઈ પણ છેડેથી શંકાસ્પદ એટલે કે મોકડ્રિલમાં ડમી બોટને મોકલવામાં આવે છે. જે બોટને શોધી કાઢી તેમાં રહેલા ઈસમો સામે બહાદુરીપૂર્વક બાથ ભીડવામાં આવે છે. મોકડ્રિલ પૂર્ણ થયાં બાદ નિરીક્ષણ કરીને ક્ષતિ સહીતની બાબતોનું અવલોકન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વપ્રસિદ્ધ અને દ્વાદશ જ્યોર્તિલિંગ પૈકી એક સોમનાથ મંદિર પણ સાગર કાંઠે આવેલુ હોય મંદિરને પણ ઓપરેશન સાગર સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવે છે.