- ચૂંટણીએ સમાજના આગેવાનોની પોલ ખોલી: રાજપુતો-ભાજપુતોની વાતો વહેતી થઈ
- સમાજના મોભીઓનો વટ વિખેરાય જાય એટલે કેટલાક આગેવાનો ખુલ્લીને બહાર આવતાં નથી
- ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં રાજ્યભરમાંથી બહોળી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડશે: “ઓપરેશન રૂપાલા” વધુ ઉગ્ર બનાવવાની રણનીતી ઘડાશે
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલા સામે છેલ્લા 20 દિવસથી ચાલતુ ક્ષત્રિય સમાજનું આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બની વકરે તેવી ભારોભાર દહેશત વર્તાય રહી છે. આવતીકાલે રાજકોટ નજીક આવેલા રતનપર ગામ ખાતે ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન યોજાશે. જેમાં રાજ્યભરમાંથી ક્ષત્રિયો ઉમટી પડશે. બીજી તરફ રૂપાલાને માફી આપવાના મામલે કાઠી દરબારોમાં પણ ફાંટા પડી ગયા છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી પરષોતમભાઈ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી બાદ રાજયભરમાં ક્ષત્રિય સમાજમાં વિરોધ વંટોળ ફાટી નિકળ્યો છે. જે શાંત થવાનું નામ લેતો નથી. દિન પ્રતિદિન વધુ વકરી રહ્યો છે. દરમિયાન આવતીકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજયભરમાં હજારો લોકો ઉમટી પડશે. રૂપાલા સામેના આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની રણનીતિ ઘડી કાઢવામાં આવશે.
રાજા-રજવાડા અંગે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજના રોષને પારખી કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોતમભાઈ રૂપાલા દ્વારા બે વખત માફી માંગવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ માફી માંગી છે. છતા રોષ શાંત પડવાનું નામ લેતો નથી ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ જ રદ કરવામાં આવે તેવી માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. ગત રવિવારે ધંધુકા ખાતે સંમેલન યોજાયા બાદ આવતીકાલે બપોરે 4 કલાકે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિયોનું મહા સંમેલન યોજાશે.
રતનપર ખાતે આવેલા રામજીમંદિર સામેના વિશાળ પ્લોટ પર બપોરે 4 કલાકે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે જેમાં રાજયભરમાંથી ક્ષત્રિયો ઉમટી પડશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પણ સજજ બની ગયું છે. આ મહાસંમેલનમાં ઓપરેશન રૂપાલા અંગેની ભાવિ રણનીતિ ઘડી કાઢવામાં આવશે. ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભા બેઠક પરથી 100થી વધુ ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. ભાજપ દ્વારા સત્વરે કોઈ નિર્ણય લેવામાં નહી આવે તો રાજયની તમામ 26 લોકસભા બેઠક પર આ રણનીતિ અપનાવવાનો નિર્ણય પણ લેવાય શકે છે.
દરમિયાન ગઇકાલે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય “કમલમ્” ખાતે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ એક પત્રકાર પરિષદ યોજી રૂપાલાને માફ કરી દીધા હોવાની ઘોષણા કરવામાં આવી હતી. આ મામલે કાઠી સમાજમાં બે ફાંટા પડી ગયા છે.
ક્ષત્રિય સમાજના અમૂક આગેવાનો દ્વારા પોતાની રિતે પરષોત્તમભાઇ રૂપાલાને માફ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સમાજના કેટલાક આગેવાનોએ માફી આપવાના નિર્ણયને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવ્યો હતો. રૂપાલા સામેનો વિરોધ યથાવત હોવાની ઘોષણા કરવામાં આવી છે.
આવતીકાલે રાજકોટ ખાતે યોજનારા ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં પણ કાઠી સમાજના લોકો હાજરી આપશે. તેવી ઘોષણા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં રૂપાલા સામેનો વિરોધ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્ કરવામાં આવે તેવી માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે.
ભાજપ સાથે જોડાયેલા કાઠી દરબારના આગેવાનોએ જ રૂપાલાને માફ કર્યા છે. બાકી કાઠી દરબાર સમાજના અન્ય લોકોએ માફી આપી નથી તેઓ આવતીકાલે મહાસંમેલનમાં પણ જોડાવવાની ઘોેષણા કરી રહ્યા છે. રાજા-રજવાડા અંગે ટીપ્પણી કરનાર પરષોતમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી એક જ માંગ સાથે ક્ષત્રિયો અડગ છે. તેઓ એક પકવાડીયાથી પણ વધુ સમયથી શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે. સાથોસાથ કોમી વૈમનસ્ય ન ફેલાય તે માટે એવું પણ નિવેદન આપી રહ્યા છે કે, અમારો વિરોધ પાટીદાર સમાજ કે ભાજપ સામે નથી માત્ર રૂપાલા સામે જ છે. બીજી તરફ ભાજપ હાઈકમાન્ડ પણ રૂપાલાની ટિકિટ રદ ન કરવા મકકમ હોય તેવું લાગી રહ્યું છે. પરષોતમભાઈને પ્રચાર ચાલુ રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદમાં ચૂંટણી પ્રક્રિયામાં અવ્યવસ્થા સર્જાવાનું જોખમ ઉભુ થયું છે. કારણ કે રાજકોટ બેઠક પરથી ક્ષત્રિય સમાજ દ્વારા 180થી વધુ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.જો તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજના 200થી વધુ લોકો પણ ઉમેદવારી નોંધાવે તો માહોલ બગડી શકે છે.