- મોડી રાત્રે દરોડો પાડી ‘શ્રીરામ’ ગોડાઉનમાંથી અંદાજિત 61000 વિદેશી દારૂની બોટલ કબ્જે કરાઈ : ગોડાઉન સંચાલક સહીત 10ને રાઉન્ડઅપ કરાયા
મોરબીના લાલપર ગામના એક ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ઓપરેશન પ્રોહીબીશનમાં છેલ્લા સાતેક માસથી ગોડાઉન ભાડે રાખી રાજસ્થાનની દારૂનો જથ્થો મંગાવી સૌરાષ્ટ્રભરમાં સપ્લાય કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. એસએમસીએ મામલામાં આશરે 61 હજાર દારૂની બોટલ સાથે ગોડાઉન સંચાલક સહીત 10 શખ્સોને રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં એક મહિનામાં બીજી વાર સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી છે. અગાઉ પેટ્રોલ-ડીઝલ ચોરીનું આખુ કૌભાંડ ઝડપી લીધા બાદ વધુ એકવાર એસએમસી મોટી રેઇડ કરીને જેટલા સમયગાળા બાદ ગત મોડીરાત્રે ફરીવાર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડી આશરે 3210 પેટી દારૂ કબ્જે કરવાની સાથે 10 શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા છે. જો કે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં એસએમસીએ દરોડા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી -વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ લાલપર એસ્ટેટ તરીકે ઓળખાતી જગ્યામાં આવેલ શ્રીરામ ગોડાઉનમાં ગત મોડીરાત્રે ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી દારૂનો વિશાળ જથ્થો પકડી પાડી ગોડાઉનમાં હાજર રહેલા 10 શખ્સોને અટકાયતમાં લીધા હતા. એસએમસીએ બે ટ્રક, 3 બોલેરો, એક હોન્ડા સીટી કાર પણ કબ્જે કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર આ ગોડાઉનમાં દારૂનો કારોબાર છેલ્લા 7 માસથી ચલાવવામાં આવતો હતો. ગત તા. 21 ઓગસ્ટ 2023ના રોજ આ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવી વેપલો કરવામાં આવતી હતો. મહત્વપૂર્ણ બાબત છે કે, દારૂનો આખેઆખો કારોબાર મોસ્ટ વોન્ટેડ આરોપી જીમિત પટેલ દ્વારા ચલાવવામાં આવતો હોય તેવી વિગતો વિશ્વ્સનીય સૂત્રોમાંથી પ્રાપ્ત થઇ છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફેબ્રુઆરી માસની શરૂઆતમાં મોરબીના વિરપરડા ગામના પાટિયા નજીકથી પોલીસની સંડોવણી વાળા ડિઝલચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જે બાદ મોરબી તાલુકા પોલીસની હદમાં જ ગતરાત્રીના દરોડો પાડી વિદેશી દારૂનો વિશાળ જથ્થો પકડી પાડતા સનસનાટી મચી જવા પામી છે અને મોરબી પોલીસને દોડધામ થઇ પડી છે, સૂત્રોના જણાવ્યા મુજબ હજારો પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હોય એસએમસીની ટીમેને રાતભર ગણતરી કરવી પડી હતી.
મોસ્ટ વોન્ટેડ આરોપી જીમિત પટેલ દારૂના વેપલાનો માસ્ટર માઈન્ડ : ભરત મારવાડીએ રાજસ્થાનથી માલ મોકલ્યાનો ખુલાસો
લાલપરના ગોડાઉનમાંથી ઝડપાયેલા દારૂના જંગી જથ્થા મામલે એસએમસીએ તપાસ હાથ ધરતા આ ગોડાઉન અમદાવાદના મોસ્ટ વોન્ટેડ આરોપી જીમિત પટેલ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને દારૂનો જથ્થો જીમિત પટેલનો પાર્ટનર ભરત મારવાડી રાજસ્થાનથી મોકલતો હતો તેવો ખુલાસો થયો છે.
જીમિત પટેલનો ખાસ અને ગોડાઉન સંચાલક રાજુને પણ ઉપાડી લેવાયો
લાલપર ખાતે ગોડાઉનનું સંચાલન કરતો રાજુ વોન્ટેડ આરોપી જીમિત પટેલનો ખાસ માનવામાં આવે છે. રાજુને પણ સ્ટેટ મોનીટરીંગ સેલે ઉપાડી લીધો છે જેથી દારૂના વેપલા અંગે મોટા ઘટસ્ફોટ થવાના એંધાણ છે. ઉપરાંત બે ડ્રાયવર અને 7 મજૂરોની પણ અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, ગત વર્ષના ઓગસ્ટ માસથી ગોડાઉન ભાડે રાખીને દારૂનો વેપલો કરવામાં આવતો હતો. એસએમસીએ બે ટ્રક, 3 બોલેરો, એક હોન્ડા સીટી કાર પણ કબ્જે કરી છે.
સૌરાષ્ટ્રમાં દારૂની રેલમછેલ? ફકત એક સપ્તાહમાં દોઢ કરોડનો દારૂનો જથ્થો ઝડપી લેતી એસએમસી
સૌરાષ્ટ્રમાં દારૂની રેલમછેલ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે કારણ કે, આજે મોરબીમાં દરોડો પાડીને એસએમસીએ એક કરોડથી પણ વધુનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે. આ ઉપરાંત ગત એક સપ્તાહમાં એસએમસીએ અન્ય બે રેઇડ કરીને રૂ. 42 લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે. બે દિવસ અગાઉ પાણશિણા પાસે રેઇડ કરીને એસએમસીએ રૂ. 29,22,960ની કિંમતનો 6314 બોટલ દારૂના જથ્થા સાથે કુલ રૂ. 54,35,910નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે પડધરી તાલુકાના ખજૂરડી ગામના ફાર્મ હાઉસમાં દરોડો પાડી રૂ. 13,01,285 લાખની કિંમતનો 5098 વિદેશી દારૂની બોટલ સાથે કુલ રૂ. 15,51,285નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.