દેશમાં Covid-19ની ગંભીર સ્થિતિની વચ્ચે, વિવિધ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે ચાર ક્રાયોજેનિક (નીચા તાપમાન જાળવવામાં સક્ષમ)ટેન્કર સિંગાપોરથી વિમાન દ્વારા ભારત લાવવામાં આવશે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘એરફોર્સ સી-17 વિમાન શનિવારે સવારે દિલ્હીની પાસે આવેલા હિંદન એરપોર્ટથી સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર જવા રવાના થયું હતું. ભારતીય વાયુ સેનાના કાર્ગો વિમાનમાં ચાર ખાલી ટાંકીઓ લાવવામાં આવશે.’
અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ટેન્કો લઈને વિમાન પશ્ચિમ બંગાળના પનાગઢ એરપોર્ટ પર આજે સાંજે આવશે.’ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રાલયે કહ્યું કે, ‘તે સિંગાપોર અને સંયુક્ત આરબ અમીરાત(UAE)થી ઉચ્ચ ક્ષમતાવાળા ઓક્સિજન ટેન્કરોની આયાત કરવા માટે વાતચીત કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.