દેશના દરેક નાગરિકોને ન્યાય મળી રહે તે માટે સુપ્રીમ કોર્ટે ૪૦ વર્ષ પહેલા કરેલા પત્રને પીટીશન ગણવાના નિર્ણયનો હાલમાં દુરૂપયોગ થઇ રહ્યાનું ખુલવા પામ્યું
આપણા દેશની ઉચ્ચ અદાલતોમાં ન્યાય મેળવવા માટે અરજદારોએ વકીલોને ભારે ફી ચુકવવી પડતી હોય છે. જેથી, ગરીબ અને સામાન્ય વર્ગના નાગરીકોને ઉચ્ચ અદાલતોમાંથી ન્યાય મેળવવો આર્થિક રીતે મોંધો પડે છે. જેથી, દેશના દરેક નાગરીકોને તેમના હકકોના ભંગ બદલ સરળતાથી ઉચ્ચ અદાલત સુધી ન્યાય મળી રહે તે માટે ૪૦ વર્ષ પહેલા સુપ્રિમ કોર્ટ દ્વારા એક નવી પ્રથા શરુ કરવામાં આવી હતી. જેમાં કોઇપણ નાગરીક સુપ્રીમ કોર્ટને એક પત્ર લખીને ન્યાયની માંગણી કરી શકે છે. સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગે તો તેને પીટીશન ગણીને તેના પર ન્યાય આપી શકે છે.
સામાન્ય નાગરીકોના હિતો માટે સુપ્રીમ કોર્ટ દ્વારા શરુ કરાયેલી વ્યવસ્થાનો હવે ગેરપયોગ થવા લાગ્યો છે. કેન્દ્રની મોદી સરકારે લીધેલા અનેક નિર્ણયો સામે વિરોધ કરતા છેલ્લા થોડા સમયથી દરરોજ હજારો પત્રો મળી રહ્યા છે. આ ઢગલાબંધ પત્રોના કારણે સુપ્રીમ કોર્ટની નિયમિત કામગીરી ખોરંભે ચડી જવા પામી છે.
અહીં નોંધનીય છે કે, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાને દરરોજ ફંડામેન્ટલ રાઈટ, ઓથોરીટીના ગેરકાનૂની પગલા, વ્યક્તિગત કેસ અને ઈકોનોમિક બાબતો સહિતને લગતા ૨૦૦ કાગળ મળે છે. જો કે, સીએએની અમલવારી બાદ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાને મળી રહેલા કાગળની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. મોટાભાગના કાગળ મુસ્લિમ લઘુમતી ધરાવતા વિસ્તારોમાંથી મોકલવામાં આવી રહ્યાં હોવાનું ખુલ્યું છે. સીએએના વિરોધમાં ન્યાયતંત્રને મોકલવામાં આવતા કાગળ ટાઈપ કરેલા છે. જેમાં અરજકર્તાના નામ અને નંબર દર્શાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે કર્ણાટકના દવાંગેરે વિસ્તારમાંથી ૫૦ જેટલી લેટર પીટીશન મળી હોવાનું સામે આવ્યું છે. ગરીબો માટે ૪૦ વર્ષ પહેલા વિનામુલ્યે કાયદાકીય સહાય મળી રહે તે માટેની આ સુવિધાનો હવે અન્ય રીતે પણ ઉપયોગ થઈ રહ્યો હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે.
વધુમાં વર્ષ ૧૯૬૩માં અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા પોસ્ટકાર્ડને પીટીશન તરીકે ગણવાની તૈયારી બતાવવામાં આવી હતી. અમેરિકાની સુપ્રિમ કોર્ટના નિર્ણયના આ તર્જ ઉપર ભારતીય સુપ્રીમ કોર્ટે પણ કાગળ એટલે કે લેટરને પીઆઈએલ ગણવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટને દરરોજ વિવિધ બાબતોના કાગળો મળતા હોય છે. જો કે હવે આ સુવિધાનો ગેરઉપયોગ થવા લાગ્યો છે. ૧૯૮૧માં ભારતમાં આ સુવિધા શરૂ થઈ હતી.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ દેશની વડી અદાલતના પીઆઈએલ વિભાગમાં દરરોજ ૧૦ હજાર જેટલા પત્રો મળી રહ્યાં છે. જેમાંથી મોટાભાગના પત્રો સીએએની વેલીડીટીને પડકારતા પત્રો છે. કેટલાક પત્રોમાં એનઆરસી અને એનપીઆરનો વિરોધ પણ નોંધવામાં આવ્યો છે. ભારતીય ન્યાય પ્રણાલીમાં દરેક વ્યક્તિને સરખા પ્રમાણમાં હક્ક મળી રહે તેવા હેતુથી વિવિધ પગલા લેવામાં આવ્યા હતા. સામાન્ય વ્યક્તિ પણ પોતાનો અવાજ લોકો સુધી પહોંચાડવા સક્ષમ બને તે માટે વડી અદાલત દ્વારા પત્રને જ પીઆઈએલ માનવાની શરૂઆત થઈ હતી. અત્યાર સુધી સરેરાશ આવા ૨૦૦ પત્રો મળતા હતા. જો કે, હવે આ પત્રોની સંખ્યા ૧૦,૦૦૦ને પાર થવા જઈ રહી છે. આ પત્રોમાં મોટાભાગે સીએએ, એનઆરસી અને એનપીઆરનો વિરોધ કરવામાં આવે છે. આ પત્રો મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારોમાંથી લખવામાં આવ્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.