પૃથ્વીનો છેડો ઘર અમસ્તું જ નથી કહેવાતું!!
રાજકોટ બસપોર્ટ પર આવી પહોંચતા આત્મજનોના મિલાપથી સર્જાયા ભાવવાહી દ્રશ્યો મેયર ડો. પ્રદીપ ડવ તેમજ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે પુષ્પગુચ્છ આપી કર્યુ સ્વાગત
પૃથ્વીનો છેડો ઘર, સામાન્ય સંજોગોમાં વ્યક્તી વતન આવે ત્યારે ખુશી તો થવાની જ, પરંતુ જયારે જીવના જોખમે પરત ફરે ત્યારે તેનો આનંદ અને ઉત્સાહ કંઈક અલગ જ હોઈ છે, જાન હૈ તો જહાન હૈ, અમે સૌ બધું જ છોડીને વતન પરત ફરીઆ છીએ અને આટલી ખુશી અમને જીવનમાં પહેલી વાર થઈ હોવાનું નવજીવન મળવાની ભાવના સાથે આજે સુદાનથી રાજકોટ પહોંચતા 30 જેટલા રાજકોટવાસી પરિવારજનોને થઈ છે.
સુદાનની પ્રવર્તમાન પરિસ્થિતમાં ફસાયેલા ભારતીયોની વહારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ એક્સ્ટર્નલ અફેર્સ મંત્રીશ્રી એસ. જયશંકર તેમજ વિદેશ મંત્રાલય દ્વારા ભારતીયોને રેસ્ક્યુ કરી પરત લાવવા ” કાવેરી” અભિયાન શરુ કરાયેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા તેઓને ઘર સુધી પહોંચાડવા પરિવહનની સુંદર વ્યવસ્થા દ્વારા કરવામાં આવી હોઈ પ્રથમ બેચમાં રાજકોટના 30 જેટલા લોકો તેમના પરિવાર સાથે આજરોજ રાજકોટ બસપોર્ટ ખાતે આવી પહોંચતા ઢોલ નગારાના તાલ વચ્ચે મેયર ડો. પ્રદીપ ડવ તેમજ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે તેઓનું હાર પહેરવી, પુષ્પગુચ્છ આપી સ્વાગત કરતા ખુબ ખુશીની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.
સુદાનથી પરત ફરતા યાત્રીઓની આ તકે હેમખેમ વતન પરત ફરતા તેમના આપ્તજનો વચ્ચે મિલાપ સાથે ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા હતાં. વિપુલચંદ્ર મહેતા તેમના પરિવારના પાંચ વ્યક્તિઓ સાથે સુખરૂપ પહોંચતા જણાવ્યું હતું કે, અમને વિદેશ મંત્રાલય દ્વારા સુંદર વ્યવસ્થા કરી આપી, પોર્ટ પર ફૂડ પેકેટ્સ, પાસપોર્ટ સહીત અમારા પરિવારને ડિપોર્ટ કરવામાં તમામ મદદ કરી હતી .
આજે અમે પાંચ દિવસે ઘરે પહોંચ્યા છીએ પરંતુ આટલી ખુશી અમને જીવનમાં ક્યારેય મળી નથી. આ તકે તેમના પરિવાજનો ઉપરાંત 80 વર્ષના રંજનબેન અંબાલાલ, 70 વર્ષીય સુનંદા જૂઠાની એ રાજકોટ વતન હેમખેમ પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સરકાર, તેમજ રાજકોટ કલેકટર અને જિલ્લા વહીવટી તંત્રનો પણ ખાસ આભાર માન્યો હતો. આ તકે જિલ્લા વહીવટી તંત્ર વતી નાયબ કલેકટર સુરજ સુથાર, મામલતદાર (દક્ષિણ) એચ.એન.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
હેમખેમ પરત ફરેલા લોકોને આવકારતા હર્ષની લાગણી થાય છે: ડો. પ્રદીપભાઈ ડવ
રાજકોટના મેયર ડો. પ્રદીપભાઈ ડવે જણાવ્યું હતું કે, આજે 34થી વધુ લોકો સુદાનથી પરત ફર્યા છે. આજે જયારે તેઓ હેમખેમ પરત ફર્યા છે ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો હું હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું હતું કે, પરત ફરનાર તમામ લોકોએ જે રીતે ત્યાંની પરિસ્થિતિ વર્ણવી છે તે મુજબ ગોળીબાર કરાઈ રહ્યો છે, મિસાઈલો દાગવામાં આવી રહી છે, લોકોના ઘરમાં ઘૂસીને લૂંટ કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ અને ગુજરાતના લોકો હેમખેમ પરત ફર્યા તેનો મણે આનંદ છે અને હજુ પણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, વિદેશ મંત્રાલયના સંકલનમાં રહીને જિલ્લા વહીવટી તંત્ર સુદાનમાં ફસાયેલાં લોકોને બહાર કાઢવા કટિબદ્ધ છે.
એક એક ભારતીયને સન્માનભેર વતન પરત લાવવામાં આવશે: ડો.દર્શિતાબેન શાહ
ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં જયારે જયારે ભારતીયોને તકલીફ પડી છે ત્યારે તેમની ખેવના કરવામાં આવી છે. તેવી જ રીતે આજે ઓપરેશન કાવેરી હેઠળ 34 લોકોને રાજકોટ ખાતે તેમના વતન સાથે ભેંટો કરાવવામાં આવ્યો છે ત્યારે પરત ફરનારા અને તેમના પરિવારજનોના આંખમાં ખુશીના આંશુ ચોક્કસ જોવા મળી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ક્ધટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમ જેમ માહિતી મળતી જઈ રહી છે તે મુજબ તેમણે સુદાન ખાતેથી રેસ્ક્યુ કરીને સન્માનભેર ભારત પરત લાવવામાં આવી રહ્યા છે.
સતત ગોળીબાર અને બોમ્બ વર્ષા વચ્ચે જીવનું જોખમ ઉભું થયું’તું પણ સરકારે ખુબ જ મદદ કરી: નીરૂબેન શાહ
સુદાન ખાતેથી પરત ફરેલા નીરુબેન શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુદાન ખાતે ભારે ભય અને અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત ગોળીબાર અને બોમ્બ વર્ષા ચાલી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. ત્યારે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતીયો માટે જે મદદનો હાથ લંબાવવામાં આવ્યો તેના લીધે અમે સૌ હેમખેમ પરત ફરી શક્યા છીએ ત્યારે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરીએ છીએ.
અત્યાર સુધી આટલા ભયાનક દ્રશ્યો અમે ક્યારેય જોયા નથી: વયોવૃદ્ધે આપવીતી વર્ણવી
સુદાનથી પરત ફરનાર વયોવૃદ્ધએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે કુલ 56 લોકો એકસાથે સુદાનના પોરશુદાનથી જેદાહ અને જેદાહથી મુંબઈ પહોંચ્યા. મુંબઈથી અમદાવાદ અને ત્યાંથી રાજકોટ પોતાના વતન પરત ફર્યા છીએ. તેમણે સુદાનની પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું કે, ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુધીમાં અમે આવી ભયાનક પરિસ્થિતિ ક્યારેય જોઈ નથી. તેમણે કહ્યું હતું કે, હું સુદાનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી રહ્યો હતો, મારું પરીવાર અહીંયા વતનમાં રહે છે અને હું ત્યાં એકલો જ રહેતો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત સરકારનો ખુબ જ સહયોગ મળ્યો છે અને આજે અમે હેમખેમ વતન પરત ફર્યા છીએ તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
કેન્દ્ર સરકારની નીતિઓના પરિણામે વિશ્ર્વના દરેક ખૂણે ભારતીયો સુરક્ષિત: બિપીનભાઈ મહેતા
સુદાનથી પરત ફરનાર બિપીનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, મારા પિતા 1938માં સુદાન ગયાં હતા અને મારો જન્મ પણ સુદાનમાં જ થયો છે એટલે કે, લગભગ 90 વર્ષથી અમે ત્યાં સ્થાયી થયાં છીએ. ત્યાં અમારો વેપાર છે, અમારું ઘર છે પણ જેવી આગ ત્યાં ફાટી નીકળી છે તેના લીધે અમે અમારું બધું છોડીને પહેરેલા કપડે જ વતન પરત ફરી ગયાં છીએ. સુદાનમાં હાલ ભારે તંગદિલીનું વાતાવરણ છે, સતત મિસાઈલો દ્વારા બોમ્બવર્ષા થઇ રહી છે, ગોળીબાર ચાલી રહ્યો છે, લૂંટ ફાંટની ઘટનાઓ વધી ગઈ છે પણ ખુશીની વાત એ છે કે, કોઈ લગભગ કોઈ ભારતીયોનો જીવ ગયો નથી. તેમણે કહ્યું કે, જ્યાંથી સુદાનની પરિસ્થિતિ બગડી ત્યાંથી જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ હતી. સુદાન ખાતેની ભારતીય એમ્બેસી સતત ભારતીયોનો સંપર્ક કરી રહી છે અને તેના પરિણામે જ અમે આજે વતન હેમખેમ પરત ફરી શક્યા છીએ. તેમણે કહ્યું હતું કે, જે રીતે સરકારે મદદ કરી છે તેના પરથી સ્પષ્ટ કહી શકું કે, ભારતીય વિશ્વના દરેક ખૂણામાં સુરક્ષિત છે.