ભારતે યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ’ઓપરેશન ગંગા’ અભિયાનને વધુ ઝડપી બનાવતા એરફોર્સને પણ સામેલ કરી છે. આ મિશનમાં દેશની ખાનગી એરલાઈન્સ પણ જોડાઈ છે. કેન્દ્ર આગામી ત્રણ દિવસમાં 26 ફ્લાઈટ્સ મારફત યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને સ્વદેશ લાવશે. મંગળવારે 616 ભારતીયોને પરત લવાયા હતા. બીજીબાજુ વિદેશ સચીવે મંગળવારે મોડી રાત્રે કહ્યું હતું કે કીવમાંથી બધા જ ભારતીયો બહાર નીકળી ગયા છે.
યુક્રેનમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે ત્યારે સ્થિતિની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વધુ એક વખત ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. યુક્રેનમાં મંગળવારે રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થવા અંગે વડાપ્રધાન મોદીએ ભારે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને લાવવા માટે ભારતીય હવાઈદળને ઉતારવાનો નિર્ણય લીધો છે. ઓપરેશન ગંગાના ચોથા દિવસે મંગળવારે યુક્રેનના પશ્ચિમી પડોશી દેશો રોમાનિયા અને હંગેરીમાંથી 616 ભારતીયોને પરત લવાયા હતા.ખાનગી એરલાઈન્સ અત્યાર સુધીમાં નવ વિશેષ ફ્લાઈટ્સમાં 2,012 ભારતીયોને પરત લાવી છે.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, ભારતીય એરફોર્સનું સી-17 વિમાન બુધવારે વહેલી સવારે 4.00 વાગ્યે દેશવાસીઓને લાવવા માટે રોમાનિયા રવાના થશે તેવી શક્યતા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો પશ્ચિમી સરહદ ઓળંગીને રોમાનિયા પહોંચે પછી રોમાનિયા અને હંગેરીમાંથી ભારતીયોને સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.
વધુમાં ભારતીયોને લાવવા માટે પોલેન્ડમાં બુચારેસ્ટ અને બુડાપેસ્ટ તેમજ સ્લોવાક રિપબ્લિકમાંથી પણ ફ્લાઈટ્સ ચલાવવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે આગામી ત્રણ દિવસમાં 26 જેટલી ફ્લાઈટ્સ મારફત ભારતીયોને પરત લવાશે.