અત્યાર સુધી 10 ફ્લાઈટોએ ઉડાન ભરી: રશિયાના રાજદૂતે ભારતીયોની મદદ માટે ભરોસો વ્યક્ત કર્યો
અબતક-દિલ્હી
યુક્રેઇન અને રશિયા વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીયોને લેવા માટે ભારતીય એરફોર્સએ ઝંપલાવ્યું છે. જેમાં આજ રોજ વહેલી સવારે એરક્રાફ્ટ સી-17 ઉડાયન ભરી છે. તો બીજી તરફ હવે રશિયાના રાજદૂતએ પણ ભારતીયોની મદદ માટે ભરોસો વ્યક્ત કર્યો છે.
યુક્રેનમાં ફસાયેલા લોકોને ભારત પરત લઈ આવવાના અભિયાન ’ઓપરેશન ગંગા’માં એરફોર્સ પણ જોડાયું છે. એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન સી-17 બુધવારે સવારે 4 વાગ્યે હિંડન એરબેઝથી રવાના થયું છે. આ સિવાય એરફોર્સનું એક વિમાન, ટેન્ટ, કેબલ અને અન્ય માનવીય સહાયતા સામગ્રીને લઈને હિંડન એરબેઝથી રવાના થવાની તૈયારીમાં છે. એમ કહેવાઈ રહ્યું છે કે પોતાની પ્રથમ ઉડાનમાં જ 400થી વધુ ભારતીય સ્ટુડન્ટ્સને આ વિમાન એરલિફ્ટ કરીને બુધવાર સાંજ સુધીમાં ભારત લાવી શકે છે. આ દરમિયાન ભારતીયોને લઈને વધુ એક ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કર્યું છે.
બીજી તરફ ઓપરેશન ગંગાનું મોનિટરિંગ કરવા માટે રોમાનિયાના બુખારેસ્ટ પહોંચેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્યા સિંધિયાએ ત્યાં રાહ જોઈ રહેલા ભારતીયો સાથે વાત કરી. તેઓ રોમાનિયા અને મોલડોવાના રાજદૂતને મળ્યા. સિંધિયાએ જણાવ્યું કે મોલડોવાની બોર્ડર પણ ભારતીયો માટે ખોલવામાં આવી છે. ત્યાં પહોંચનારા ભારતીયોની ત્યાં રહેવાની પણ સગવડ કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, 8 માર્ચ સુધીમાં બુડાપોસ્ટ સહિત અન્ય સ્થાનો પર કુલ 46 ફ્લાઈટ્સને મોકલવામાં આવશે.રોમાનિયાના બુખારેસ્ટમાં કુલ 29 ફ્લાઈટ્સ જશે. તેમાં 13 એર ઈન્ડિયાની, 8 એર ઈન્ડિયા એક્સપ્રેસની, 5 ઈન્ડિગોની, 2 સ્પાઈસજેટની અને એક ઈન્ડિયન એરફોર્સનું એરક્રાફટ હશે. બુડાપોસ્ટમાં 10 ફ્લાઈટ જશે. તેમાંથી 7 ઈન્ડિગોની, 2 એર ઈન્ડિયાની અને એક સ્પાઈસ જેટની ફ્લાઈટ હશે. પોલેન્ડમાં ઈન્ડિગોની 6 ફ્લાઈટ, કોસિસમાં સ્પાઈસ જેટની એક ફ્લાઈટ જશે. એમ કહેવાઈ રહ્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટની કેપેસિટી 250 મુસાફરોની છે. જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસમાં 180, ઈન્ડિગોની 216 અને સ્પાઈસ જેટની 180 મુસાફરોની ક્ષમતા છે.