સુદાનથી ભારતીયોને સુરક્ષિત પરત લાવવાનું ઓપરેશન 12 દિવસ ચાલ્યું વિદેશ મંત્રીએ ઓપરેશન સાથે જોડાયેલ તમામ લોકોનો આભાર માન્યો

ભારતે સુદાનમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હાથ ઘરેલુ ’ઓપરેશન કાવેરી’ પૂર્ણ જાહેર કર્યું છે  ભારતીય વાયુસેનાનું છેલ્લું વિમાન ગઈકાલે 47 મુસાફરો સાથે સ્વદેશ પરત ફર્યું હતું. ભારતે 24 એપ્રિલે ઓપરેશન કાવેરી શરૂ કર્યું હતું. વિદેશ મંત્રીએ ટ્વિટ કરીને આ માહિતી જાહેર કરી હતી.

સૈન્ય અને અર્ધલશ્કરી દળો વચ્ચે હિંસક અથડામણ બાદ સુદાનમાંથી ભારતના નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે 24 એપ્રિલે ઓપરેશન કાવેરી શરૂ કર્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ અંગેની માહિતી આપી હતી કે ગઈકાલે ભારતીય વાયુસેનાના સી130 એરક્રાફ્ટના આગમન સાથે ’ઓપરેશન કાવેરી’ દ્વારા 3,862 લોકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાએ 17 ઉડાનનું સંચાલન કર્યુ અને ભારતીય નૌકાદળે ભારતીયોને પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના જેદ્દાહ લઈ જવા માટે પાંચ ફેરા કર્યા હતા.

જયશંકરે કહ્યું કે 86 ભારતીયોને સુદાનની સરહદે આવેલા દેશોમાંથી લાવવામાં આવ્યા હતા. તેમણે સુદાનથી લાવવામાં આવેલા ભારતીયોને હોસ્ટ કરવા અને સ્થળાંતર પ્રક્રિયામાં મદદ કરવા બદલ સાઉદી અરેબિયાનો પણ આભાર માન્યો હતો. તેમણે ચાડ, ઇજિપ્ત, ફ્રાન્સ, દક્ષિણ સુદાન, સંયુક્ત આરબ અમીરાત, બ્રિટન, અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રનો પણ આભાર માન્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું વિદેશમાં તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા અમારી પ્રેરણા છે.

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન બચાવ કાર્યની દેખરેખ માટે સાઉદી અરેબિયામાં હાજર હતા. વિદેશ મંત્રી જયશંકરે આ માટે મુરલીધરનની પ્રશંસા કરી હતી. ઓપરેશન કાવેરી વિશે વાત કરતા જયશંકરે કહ્યું કે ઓપરેશન કાવેરીમાં સામેલ તમામ લોકોની ભાવના, મક્કમતા અને હિંમતની સરાહના કરવી જોઈએ. ખાર્તુમમાં અમારા દૂતાવાસે આ મુશ્કેલ સમયમાં અસાધારણ સમર્પણ દર્શાવ્યું હતું. સાઉદી અરેબિયામાં તૈનાત ટીમ ઈન્ડિયા અને ભારત સાથે સંકલન કરતા એમઇએ રેપિડ રિસ્પોન્સ સેલના પ્રયાસો પ્રશંસનીય હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.