અન્ય ખાતાના કામો જેવા કે દબાણ હટાવવા વિગેરે કરતા યશ પોલીસને મળે છે પરંતુ પોલીસના કાર્યો પડ્યા રહે
ફોજદાર જયદેવે આટકોટ બસ સ્ટેન્ડમાં મૂકેલા પોલીસ જવાનો ભવતુભા અને વસંતથી બે ત્રણ દિવસમાં જ તપાસ કરાવી અગ્રતાના ધોરણે શું શું કાર્યવાહી કરવી જોઈએ તેનો અહેવાલ મેળવી લીધો. તેમના જણાવ્યા મુજબ આટકોટ બસ સ્ટેન્ડ અને હાઈવે ઉપરના દબાણો અને પેશકદમીઓ રસ્તા ઉપરની આડેધડ ખડકાયેલ રેંકડીઓ અને ફેરીયાઓ તથા વાહનો વાળા આડેધડ પાર્કિંગ કરી ને અડચણો કરે છે. તથા ઘણી વખત તો આ વાહનો વાળા મૂસાફરો બેસાડવાની હરીફાઈમાં મુસાફરોને પરાણે ખેંચાખેંચી કરી લઈ જાય છે તે દૂર થાય તો ખાલી આટકોટ નહિ જસદણ અને આજુબાજુના ગામોની પ્રજાને પણ રાહત થશે કેમકે આ તમામ ગામોની પ્રજાને રાજકોટ કે અન્ય કોઈ જગ્યાએ જવા માટે આટકોટ તો આવવું જ પડે છે. તેમાં બાળકો, મહિલાઓ અને વૃધ્ધોની પણ હાલત કફોડી થાય છે.
આથી જયદેવે સૌ પ્રથમ વાહનો વાળા ને બોલાવી ચોકકસ કઈ જગ્યાએ વાહનો પાર્ક કરવા તેની સૂચના કરી અને ઓવર લોડ પેસેન્જરો નહિ ભરવા તથા માલવાહક વાહનોમાં પેસેન્જરો નહિ ભરવા સખ્ત સૂચના કરી અને તાકીદે પણ કરી.
ત્યારબાદ વેપારીઓ લારી રેકડી વાળા તથા ફેરીયાઓને બોલાવી પેશકદમી દૂર કરવા મુસાફરોને અગવડને મુશ્કેલ ના પડે તે રીતે વ્યવહાર અને વેપાર કરવા તાકીદ કરી અને કરેલા દબાણો તથા પેશકદમી દૂર કરવા ત્રણ દિવસની મહેતલ આપી આટકોટ ઓપી જમાદાર અભયસિહને સૂચના કરીકે સરપંચને મળી ગ્રામ પંચાયતના બોર્ડ પર આ સૂચનાઓ લખી જાહેરહીતમાં અમલ કરવા જણાવવું
પરંતુ તે પહેલા મહેતલની નોટીસ પ્રસિધ્ધ કર્યાના બીજા દિવસે જ વાહનોમાં પેસેન્જરો ભરવા બાબતે ઉંટવડ ગેંગનો મુખ્ય દાદો અને લીડર ટીણાબોદુ એ કોઈ હરીફને છરીના ઘા ઝીંકયા ભવતુભાએ તુરત જ જમાલભાઈની હોટલ ઉપરથી ટેલીફોન કરી જયદેવને બનાવની જાણ કરી જયદેવે કહ્યું કે પોતે તુરત જ આવે છે. પરંતુ આરોપી ટીણીયો પાછો આટકોટ બસ સ્ટેન્ડમાં આવી ને કોઈ વાહનમાં ઉંટવડ તરફ નાસી જાય નહિ તેની તકેદારી રાખવા કહ્યું જસદણથી આટકોટ ફકત સાત કિલોમીટર જ દૂર હતુ. જયદેવે તુરત જ જીપ લઈને આટકોટ આવી ગયો ટીણા બોદુની તપાસ કરી તો હકિકત મળી કે છરી સાથે તેના સંબંધીને ત્યાં આટકોટમાં જ છે. તેથી જયદેવે ટીણાને આટકોટમાંજ ઝડપી લીધો અને જયાં ઝડપાયો ત્યાંજ તેની પોલીસવાળી ખાસ ‘વાના-ખાત્રી’ કરી જયદેવે ભવતુભાને હુકમ કર્યો ચાલો આને બસ સ્ટેન્ડમાં લઈલો તેથી ટીણીયો ગભરાઈ ગયો કેમકે જો જાહેરમાં અને તેના કાર્યક્ષેત્ર બસ સ્ટેન્ડમાં બે ઈજજતી (વાના-ખાત્રી) થાય તો પછી પોતાની દુનિયા (લુખાઓની)માં પોતાની ધાક જતી રહે અને તેના ગોરખ ધંધા ભાંગી પડે. ટીણીયા એ હાથ જોડીને જયદેવનેવિનંતી કરી અને કરગરવા લાગ્યો કે સાહેબ બસ સ્ટેન્ડમાં રહેવા દો અહિ જે કરવું હોય તે કરો પરંતુ જયદેવે કહ્યું નહિ બસ સ્ટેન્ડ જ, પરંતુ એક શરતે બસ સ્ટેન્ડમાં વાના-ખાત્રી નહિ કરવાના બદલે ટીણીયાએ ચાર પગે થઈ બસ સ્ટેન્ડમાં ચાલવું પડશે તેવી શરત મૂકતા તે સહમત થયો અને આટકોટ બસ સ્ટેન્ડ તથા હાઈવે ઉપર ટીણીયો ચાર પગે થઈ (હાથ પગ વડે બાળક ભાંખડ ભરીયા ચાલે તેમ) ચાલ્યો અને આ સમાચાર બેનંબરી ગેંગોમાં અને ગુનેગારો તથા જનતામાં ફેલાતા ખૂબજ ચકચાર અને ચર્ચા થઈ ગઈ.
આટકોટના આ બનાવની અસર અન્ય મોટાદડવા અને જંગવડની ગેંગો ઉપર ખૂબજ પડી કેમકે તેઓનો આટકોટમાં ‚આબ અને દમદાર ફિલ્મ ‘મેરાગાંવ મેરા દેશ’ જેવી છટા અને તેમની ઓન્ટ્રી જેમાં મોટી મોટી મુછો હાથમાં કડા ગળામાં સિંહના નખ (ખોટા) વળી કોઈ કોઈ તો કપાળમાં કાળા તીલક પણ કરતા. જો આ લોકોની હાલત ટીણા બોદુ જેવી થાય તો તેમને જીવવું પણ ભારે પડી જાય અને નકામુ બની જાય તેમ તેઓ માનતા હતા તેથી આ ગેંગોના સભ્યોએ આટકોટમાં ખાસ કામ સિવાય આવવાનું જ બંધ કરી દીધું જો કોઈને અનિવાર્ય પણે આવવાનું થાય તો લપાતા છુપાતા ચોરી છુપીથી આવી ખૂણે કાંચરે કામ પતાવી પોલીસ જવાનો ભવતુભા અને વસંતની નજરે ચડી ન જવાય કે ખબર ન પડે તેરીતે થોડો સમય આવી ને તુરત પાછા નીકળી જતા હતા.
આ બનાવ બાદ જયદેવે દિવસમાં એક જ વખત ઓચિંતા ગમે તે સમયે એકાદ કલાક આટકોટ આવી બસ સ્ટેન્ડ હાઈવે ઉપર કોમ્બીંગ કરી કોઈ લુખા હથીયારો સાથે મળી આવે તો જાહેર નામા (હથીયારબંધી)નો કેસ કરી દેવાનો વાહનો લાયસન્સ પરમીટના ભંગ બદલ ડીટેઈન કરી દેવાના શ‚ કર્યા. આ કાર્યવાહીને કારણે આટકોટ તો ઠીક પણ જસદણ ગામડાઓ અને નજીકનાં તાલુકાઓમાં પણ જસદણ પોલીસનો ‘ડંકો વાગી ગયો’ કેમકે ત્યાં ઘણા વર્ષોથી કોઈ પોલીસ અધિકારીએ આવી કાર્યવાહી કરેલ જ નહિ તેથી નવી પેઢીને તો ખબર જ નહતી કે પોલીસ આવુ કરી કે.
જયદેવે આપેલ ત્રણ દિવસની મહેતલ પૂરી થાય તે પહેલા જ સ્વેચ્છાએ જ તમામ દબાણો અને પેશકદમી હટી ગઈ. વાહનો નકકી કરેલ જગ્યાએજ પાર્ક થવા લાગ્યા. આટકોટ હાઈવે અને બસ સ્ટેન્ડમાં મોટુ પરિવર્તન આવી ગયું. આવિ મોકળાશ અને રાહત થતા આમ જનતામાં ખૂબજ આનંદ થયો અને ચર્ચાનો વિષય પોલીસની કાર્યવાહી થઈ ગઈ.
વળી ભારવાહક વાહનોમાં ગેરકાયદેસર પેસેન્જરો ભરાવાનું બંધ તતા એસ.ટી.ની આવકમાં ખૂબજ વધારો થઈ ગયો તેથી રાજકોટથી ડેપો મેનેજર તથા આટકોટના એસ.ટી. કંટ્રોલ પોઈન્ટના અધિકારીઓએ જસદણ ખાતે જયદેવને ‚બ‚ મળી આભાર માન્યો. જયદેવે કહ્યું પોતે ખાસ કાંઈ કયુર્ંં નથી. કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અને લોકો કાયદાને માન આપે છે તેનું પરિણામ છે.
આપણે ત્યાં લોકશાહિના હકકો માટે જેટલી જાગૃતિ છે. તેટલી લોકશાહી માટે આપણી ફરજો શું છે. અને તેનો અમલ કરવા કોઈ ધ્યાન આપતા જ નથી ખાસ કરીને જે નાના નાના પ્રકારનાં દુષણો જેવા કે આડેધડ પાર્કિંગ કે પેશકદમી દબાણ ગમે ત્યાં કચરો ગંદકી કરવી જે બાબત ઘણી સોચનીય છે.
આપણા તંત્રો પણ ગમે તે કારણે આ કાર્યવાહી કાંતો ઉપેક્ષાથી કે મંદ ગતીથી કરતા હોય જેની આ બાબતે જનતામાં જાગૃતિ લાવવાનું અને અમલવારી કરવાનું કામ છે. તે તંત્રો નહિ કરતા પોલીસ કરે છે. દા.ત. પેશકદમી દબાણ જાહેર બાંધકામ ખાતુ ગ્રામ પંચાયત નગરપાલીકાનું છે. પરંતુ તે કાર્ય પોલીસ દબાણ અને કાયદાના દંડાથી કરાવતા તે કાર્યનો યશ પોલીસને મળે છે.
પરંતુ આ ખાસ પધ્ધતિથી આવા કાર્યો થતા લોકોની પોલીસ પાસે અપેક્ષા અન્ય અનેક ક્ષેત્રો માટે પણ વધી જતા પોલીસનું મૂળ અને ખરેખર જ‚રી કામ જે ગુન્હા શોધવા અને ગુન્હા અટકાવવાનું છે તેના ઉપર વિપરીત અસર થાય અને સહજ રીતે પોલીસ તમામ સ્થળે એક સાથે પહોચી શકે જ નહિ અને નુકશાન સમાજ ને જ થાય.
જયદેવની ઈચ્છા તમામ કાર્યવાહી પક્ષપાત રહીત કરવાની હતી. બાબરાની ઉંટવડ ગેંગ તો હડફેટે આવી ગઈ. હવે બે ગેંગો બાકી હતી. જયદેવ મોકાની રાહ જોતો હતો કે તેઓ કાંઈક અડપલુ કરે કે કોઈ ગુન્હામાં નામ આવે કે ફરિયાદ આવે તો ત્રાજવાના પલ્લા સરખા થઈ જાય.