-
ટુ-વ્હીલરના રૂ.૨, ફોર વ્હીલના રૂ.૫ અને હેવી વાહનોના રૂ.૧૦ ચાર્જ નિયત કરાયો હોવા છતાં સંચાલકો દ્વારા ડબલ ઉઘરાણા
-
ચાર્જ વસુલાતની પહોંચ પણ આપવામાં આવતી ન હોવાની ફરિયાદ
-
શહેરીજનો દ્વારા અનેક ફરિયાદો છતાં ૨૩ પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટરોને લુંટ-ફાટનો પીળો પરવાનો
શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો આવે અને લોકોના વાહનોનું પણ સલામત સ્થળે વ્યવસ્થિત રીતે પાર્કિંગ થઈ શકે તે માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૨૩ સ્થળોએ પે એન્ડ પાર્ક બનાવવામાં આવ્યા છે. પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાકટ કરાવતી એજન્સી કે સંચાલકો દ્વારા રીતસર ઉઘાડી લુંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. નિયત કરાયેલા ચાર્જથી બમણાથી પણ વધુ વસુલાત કરવામાં આવતી હોવાની અઢળક ફરિયાદો ઉઠી રહી છે છતાં મહાપાલિકાનું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
શહેરમાં અલગ-અલગ ૨૩ જગ્યાઓએ મહાપાલિકા દ્વારા પે એન્ડ પાર્ક સાઈટ ઉભી કરવામાં આવી છે જયાં ટુ વ્હીલરો માટે મિનિમમ ચાર્જ રૂ.૨ અને ૨૪ કલાક વાહન પાર્ક કરવાનો ચાર્જ રૂ.૨૦ નિયત કરવામાં આવ્યો છે. જયારે લાઈટ વ્હીકલ એટલે કે ફોર વ્હીલરો માટે એક કલાકના રૂ.૫ અને ૨૪ કલાકના રૂ.૪૦ નિયત કરવામાં આવ્યા છે. બસ, ટ્રક, જેસીબી અને મેટાડોર જેવા હેવી વ્હીકલસ માટેનો ચાર્જ પ્રતિ કલાક રૂ.૧૦ થી લઈ ૨૪ કલાકના રૂ.૧૦૦ નિયત કરવામાં આવ્યા છે છતાં પે એન્ડ પાર્ક સાઈટનો કોન્ટ્રાકટ ધરાવતા સંચાલકો નિયત કરાયેલા ચાર્જ કરતા બે થી અઢી ગણા પૈસા વસુલતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ટુ-વ્હીલરો માટે કલાકના બે રૂપિયા નકકી કરાયા છે છતાં જો કોઈ વાહન ચાલક ૫-૧૦ મિનિટ વાહન પાર્ક કરે તો તેની પાસેથી રૂ.૧૦ જેવો તોતીંગ ચાર્જ વસુલ કરવામાં આવે છે.
આટલું જ નહીં પાર્કિંગ ચાર્જ વસુલયાની પહોંચ પણ આપવામાં આવતી નથી. ફોર વ્હીલરનો ચાર્જ રૂ.૨૦ થી લઈ ૫૦ સુધી વસુલવામાં આવે છે. માથાભારે હોવાની છાપ ધરાવતા લોકો જ પાર્કિંગનો કોન્ટ્રાકટ ધરાવતો હોવાના કારણે નિયત કરાયેલા ચાર્જથી પાંચ ગણી રકમવસુલવામાં આવતી હોવા છતાં રાજકોટવાસીઓ તેની સામે અવાજ ઉઠાવતા નથી. જેના કારણે પાર્કિંગ કોન્ટ્રાકટરોની દાદાગીરી સતત વધી રહી છે.
પાર્કિંગ કોન્ટ્રાકટરો દ્વારા પે એન્ડ પાર્ક સાઈટ પર વાહન પાર્ક કરવાના પાંચ-પાંચ ગણો ચાર્જ વસુલ કરવામાં આવતો હોવાની ફરિયાદ મેયર, મ્યુનિ.કમિશનરથી લઈ સંબંધિત અધિકારીઓ સુધી અનેકવાર પહોંચી હોવા છતાં તંત્ર ભેદી રીતે આંખ આડા કાન કરી રહ્યું છે.
જેના કારણે કોન્ટ્રાકટરોને જાણે વાહન ચાલકોને લુંટવાનો પીળો પરવાનો મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કોઈ વાહન ચાલક વાહન પાર્ક કરે કે કોન્ટ્રાકટર તરત તેના પર ચબરખી લગાવી દે છે જેના પર તે મનફાવે તે સમય લખી નાખે છે પછી જયારે વાહન ચાલક પરત ફરે ત્યારે એવી દલીલ કરે છે કે આપણું વાહન અહીં કલાકોથી પાર્ક કરેલું છે એટલે આટલી રકમ તો આપવી જ પડશે. ટુ-વ્હીલરના પાર્કિંગ માટે મીનીમમ રૂ.૨નો ચાર્જ નિયત કરવામાં આવ્યો છે છતાં આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગના પાર્કિંગ કોન્ટ્રાકટરો પાસેથી બે રૂપિયાની પહોંચની બુક હાજરમાં હોતી જ નથી. જેના કારણે તેઓ વાહન ચાલકને રૂ.૧૦ની પહોંચ પકડાવી દે છે. જો પે એન્ડ પાર્કની બદલે અન્ય જગ્યાએ વાહન પાર્ક કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ આ વાહન ટોઈંગ કરી જાય અને તેને છોડાવવા માટે રૂ.૧૦૦ ભરવા પડતા હોવાના કારણે બાપડો વાહન ચાલક નાછુટકે પાંચ ગણો ચાર્જ આપીને પે એન્ડ પાર્ક સાઈટમાં પોતાના વાહન પાર્ક કરવા માટે મજબુર બની ગયો છે.