ધોરાજીમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકના વેચાણથી અસંખ્ય મુશ્કેલીઓ ઉભી થઈ છે. સરકારે અને વહિવટી તંત્રએ જનજાગૃતિ અભિયાન ચલાવવું અતિ આવશ્યક બની ગયું છે. ૫૧ માઈક્રોથી નીચેના પ્લાસ્ટીકના ઝબલા, થેલીઓ કે કોથળીઓ પર વેચાણના સરકારનો પ્રતિબંધ છે. છતા જાહેરમાં વેચાણ થાય છે. આવા પ્લાસ્ટીકના ઉપયોગથી જાહેરમાં ચીજ વસ્તુઓ સાથે ઝબલા, થેલીઓ ફેંકવામાં આવે છે. જેથી ઘન કચરાના ઢગલા જોવા મળે છે
અને જાહેરમાં ગંદકી ફેલાય છે. જે જનતાના આરોગ્ય સાથે ગંભીર અસર કરે છે. આવા પ્લાસ્ટીકના ઝબલા, થેલીઓ કે કોથળીઓમાં વેસ્ટેઝ શાકભાજી કે ફળફળાદી કે અન્ય ખાવાની ચીજ વસ્તુ સાથે જાહેરમાં ફેંકવાથી આ ફેંકેલો ખોરાક ગાયો અને ગૌવંશ પ્લાસ્ટીક સાથે આરોગી જાય છે. જેના કારણે ગાયો અને ગૌવંશોને ગંભીર બિમારી થાય છે અને તેમના પેટમાંથી ૨૫ થી ૩૦ કિ.ગ્રામ, પ્લાસ્ટીક ઓપરેશન કરીને કાઢવામાં આવે છે.
જેનાથી જીવદયાપ્રેમી ઓની ધાર્મિક લાગણીને મોટી ઠેસ પહોંચે છે. કારણ કે હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજજો આપવામાં આવ્યો છે. નાના વેપારીઓના ધંધા-રોજગારને કોઈ અસર ન થાય કે નુકસાની ન જાય આ પ્રશ્ર્ન સ્વચ્છતા સાથે અને ધાર્મિક લાગણી સાથે જોડાયેલ હોય જન જાગૃતિ દ્વારા જ આ પ્રશ્ર્નનું નિરાકરણ લાવવું જોઈએ તેવી આમ જનતામાં ગંભીર વિચારણા ચાલી રહી છે.