મહાપાલિકા વિસ્તારમાં બાગ-બગીચાઓ ખુલ્યા પણ જિલ્લા અને નગરપાલિકા વિસ્તારમાં હજુ બંધ જ
કોરોનાના કેસો ઘટયા પણ રૂરલ અને અર્બન વિસ્તારોમાં ટેસ્ટિંગ યથાવત હાલ એક પણ દર્દી ઓક્સિજન ઉપર નહિ: વર્તમાન સ્થિતિની માહિતી જાહેર કરતા કલેકટર રેમ્યા મોહન
ઇશ્વરીયા પાર્ક ખોલવો કે નહીં તે અંગે આગામી દિવસોમાં બેઠક યોજીને નિર્ણય લેવામાં આવશે તેમ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે મહાપાલિકા વિસ્તારમાં બાગ બગીચાઓ ખુલ્યા છે. પણ જિલ્લા અને નગરપાલિકા વિસ્તારમાં બાગ બગીચા હજુ બંધ રાખવામાં આવ્યો છે. જેનો નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે.
રાજકોટ મહાપાલિકા દ્વારા આજથી બાગ-બગીચા ખોલવામાં આવ્યા છે. જો કે હજુ સુધી જિલ્લા અને નગરપાલિકા વિસ્તારમાં બાગ-બગીચા ખોલવા કે કેમ તે અંગે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ રીતે શહેરની ભાગોળે આવેલ જાણીતા એવા ઇશ્વરીયા પાર્કને પણ હજુ ખુલવા માટે છૂટ આપવામાં આવી નથી. આ અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે ઇશ્વરીયા પાર્ક ખોલવા અંગે આગામી દિવસોમાં બેઠક યોજવામાં આવશે. ત્યારબાદ નિર્ણય જાહેર કરવામાં આવશે. આ જ પ્રકારે જિલ્લા અને નગરપાલિકા વિસ્તારમાં પણ આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.
વધુમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે હાલ કોરોના ડિકલાઈનિંગ સ્ટેજ ઉપર છે. પણ તકેદારી અત્યંત જરૂરી છે. હાલ જિલ્લામાં એક પણ દર્દી ઓક્સિજન ઉપર નથી. હાલ સ્થિતિ કાબુમાં હોય હોસ્પિટલ પણ પોતાના સ્ટાફને રજા આપી શકે છે. વધુમાં નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો નજીક છે. જેને લઈને અધિકારીઓની રિવ્યુ બેઠક યોજવામાં આવનાર છે.
વિવિધ સમાજે બનાવેલા CCC ઈચ્છા મુજબ બંધ કરવાની છૂટ
કોરોનાના કહેર વખતે લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે સુરત બાદ રાજકોટમાં પણ કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર બનાવવામા આવ્યા હતા. આ ઈઈઈ અત્યાર સુધી કાર્યરત છે. પણ હવે સ્થિતિમાં સુધારો આવતા તેને ઈચ્છા મુજબ બંધ કરવાની તંત્ર દ્વારા છૂટ આપવામાં આવી છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે ઈઈઈ ને બંધ કરવા માટે મ્યુ.કમિશનરની મંજૂરી લેવાની રહેશે.
૨૧મીથી અપીલના કેસો બોર્ડ થશે શરૂ
જિલ્લા કલેકટર કચેરી ખાતે આગામી તા.૨૧મીથી અપીલના કેસોનું બોર્ડ શરૂ થવાનું છે. ત્રણ મહિના બાદ આ બોર્ડ શરૂ થવાનું છે. લાંબા સમયથી બોર્ડ બંધ હોય અંદાજે ૨૦૦ જેટલા કેસોનો ભરાવો થઈ ગયો છે. હવે ૨૧મીથી બોર્ડ શરૂ થતા જ કેસોનો નિકાલ શરૂ થઈ જશે. આ બોર્ડમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવશે તેવું જિલ્લા કલેકટરે જણાવ્યું છે.