અબતક, રાજકોટરાજકોટમાં સૌપ્રથમ વાર ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એન્ડ મેન્સ ફિઝિક્સ ચેમ્પિયનશિપ ’ગુજરાત કેસરી- 2023’નું આયોજન કરવામાં આવ્યું હતું. ’ગુજરાત કેસરી-2023’ માં અલગ અલગ કેટેગરીમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના દરેક છેડેથી સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાજ્યના દરેક ખુણેથી બોડી બિલ્ડર્સ ઉમટી પડ્યા: 190 સ્પર્ધકો વચ્ચે કાંટે કી ટક્કર સમાન સ્પર્ધા યોજાઈ
નેક્સસ ફિટનેસ જીમ, લેટ્સ ફીટ જીમ, નીધી સ્કુલ, સ્ટ્રોંગ ટચ ફિટનેસ ઇક્વિપમેન્ટ, આર કે બિલ્ડર્સ, હિન્દુસ્તાન પ્રોજેક્ટ, જનતા ફાર્મા, કોસ ફિટ જીમના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં સૌપ્રથમવાર ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એન્ડ મેન્સ ફિઝિક્સ ચેમ્પિયનશિપ ’ગુજરાત કેસરી-2023’ નું આયોજન ગત તારીખ 5 ફેબ્રુઆરીના રોજ હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં 55 કિગ્રા, 60 કિગ્રા, 65 કિગ્રા, 70 કિગ્રા, 75 કિગ્રા, 80 કિગ્રા, 85 કિગ્રા, 90 કિગ્રા અને 90 પલ્સ કિગ્રાની બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજવામાં આવી હતી.
ઉપરાંત ’ગુજરાત કેસરી-2023’ માં મેન્સ ફિઝિક્સ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માઇનસ 170 મીટર અને પ્લસ 170 મીટર કેટેગરી એમ બે કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને સ્પર્ધામાં આશરે 190 થી વધુ સ્પર્ધકોએ રાજ્યભરમાંથી ભાગ લીધો હતો.
આ ચેમ્પિયનશીપમાં ખાસ ભાવનગરના મહારાજા રાઓલ વિજયરાજસિંહ ગોહિલ, ગોંડલ સ્ટેટના યાદવેન્દ્રસિંહજી જાડેજા, લીમડી સ્ટેટના ઠાકોર સાહેબ જયદીપસિંહજી ઝાલા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
બોડી બિલ્ડીંગ પ્રત્યે જાગૃતતા લાવવા શહેરી કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે: યશપાલસિંહ ચુડાસમા
નિધિ સ્કૂલના મેનેજિંગ ડિરેકટર યશપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એન્ડ મેન્સ ફિઝિક ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સસ ફિટનેસ જિમ, આર કે બિલ્ડર, નિધિ સ્કૂલ, સ્ટ્રોંગ ટેસ્ટ ફિટનેસ અને ક્રોસ ફિટ જિમ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશીપમાં 190થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. આખા ગુજરાતમાંથી સ્પર્ધકોએ આ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો છે. ચેમ્પિયનશીપમાં 50 કિલોની કેટેગરીથી લઈ 90 કિલોગ્રામ સુધીની કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધાની તૈયારી છેલ્લા 8 માસથી કરાઈ રહી હતી. સ્પર્ધકો પણ લાંબા સમયથી આ સ્પર્ધાની તૈયારીઓ કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અહીં જે સ્પર્ધકો વિજેતા થશે તેઓ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જનાર છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે આ પ્રકારની સ્પર્ધાનું દર વર્ષે આયોજન કરીએ છીએ. ગત વર્ષે ઓપન સૌરાષ્ટ્ર સ્તરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચાલુ વર્ષે ઓપન ગુજરાત ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આગામી સમયમાં અમે બોડી બિલ્ડીંગને આગળ ધપાવવા રાજ્યના અનેક શહેરોમાં સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ.
શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવું જરૂરી: મહારાજા રાઓલ વિજયરાજસિંહજી ગોહિલ
આ તકે વિશેષ ઉપસ્થિત રહેલા ભાવનગરના મહારાજા રાઓલ વિજયરાજસિંહજી ગોહિલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓપન ગુજરાત બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં જીત મેળવનાર તમામ યુવાનોને પ્રથમ શુભેચ્છા પાઠવું છું અને જેઓ આ વર્ષે સફળ નથી થઈ શક્યા તેઓ વધુ મહેનત કરીને આવતા વર્ષે સફળ થાય તેવી શુભેચ્છા છે. તેમણે કહ્યું હતું કે, યુવાનો તેમનું શારીરિક અને માનસિક ફિટનેસ જાળવી રાખે તેવી પણ હું સૌને શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું હતું કે, હાલ યુવાનોમાં ફિટનેસ જાળવવાનો એક ટ્રેન્ડ ચાલ્યો છે અને તે ટ્રેન્ડ જળવાઈ રહે તે પણ જરૂરી છે. ફક્ત યુવાનો જ નહીં પરંતુ તમામ વયના લોકો પોતાની ફિટનેસ જાળવે તે અનિવાર્ય છે.
રાજ્ય સ્તરની સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરનો રોમાંચ : રાજેન્દ્રસિંહ પરમાર
સ્પર્ધાના આયોજક રાજેન્દ્રસિંહ પરમારએ જણાવ્યું હતું કે, ઓપન ગુજરાત બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું એક સુઘડ આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં 190થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને આંતરરાષ્ટ્રીય કક્ષાના મેડલ, સર્ટિફિકેટ, ન્યુટ્રીશન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવા માટે આયોજકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
યુવાનો રાષ્ટ્રીય સ્તરે આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નામ રોશન કરે તેવી લાગણી : ઠાકોર સાહેબ જયદીપસિંહજી ઝાલા
આ તકે વિશેષ ઉપસ્થિતિ આપનાર લીંબડીના ઠાકોર સાહેબ જયદીપસિંહજી ઝાલાએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં આવીને મને ખુબ જ આંનદ થયો છે. આ સ્પર્ધામાં 190 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે જે આ સ્પર્ધાની સફળતા વર્ણવી રહી છે. બોડી બિલ્ડીંગ તરફ આ એક સારી શરૂઆત છે અને આ પ્રકારની સ્પર્ધાઓ યુવાનોને પ્રોત્સાહિત કરવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે. યુવાનો રાષ્ટ્રીય સ્તરે આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નામ રોશન કરે તેવી મારી લાગણી છે. આ પ્રકારની સ્પર્ધાઓ થકી યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવામાં ખૂબ મદદ મળશે જેથી હું આયોજકો અને સ્પર્ધકો બંનેન શુભેચ્છા પાઠવું છું.