- ભારતે મે મહિનામાં રશિયાથી દરરોજ 19.60 લાખ બેરલ ક્રૂડની આયાત કરી : સાઉદી અરેબિયા જુલાઈથી દૈનિક 10 લાખ બેરલ ક્રૂડનો કાપ મુકશે
ઓપેકે ક્રૂડના ભાવ તૂટતા રોકવા ઉત્પાદન કાપ જાહેર કર્યો છે. જેમાં સાઉદી અરેબિયા જુલાઈથી દૈનિક 10 લાખ બેરલ ક્રૂડનો કાપ મુકવાનું છે. બીજી તરફ રશિયાએ ઇંધણમાં રંગ રાખ્યો છે. ભારતે મે મહિનામાં રશિયાથી દરરોજ 19.60 લાખ બેરલ ક્રૂડની આયાત કરી છે.
મે મહિનામાં ભારતની રશિયાથી સસ્તા ક્રૂડ ઓઈલની આયાત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ છે. સાઉદી અરેબિયા, ઈરાક, સંયુક્ત આરબ અમીરાત અને યુએસ પાસેથી સામૂહિક રીતે ખરીદવામાં આવેલા તેલના આંકડાને પણ રશિયાથી આયાત વટાવી ગઈ છે.
ડેટા અનુસાર, ભારતે મે મહિનામાં રશિયા પાસેથી પ્રતિદિવસ 19.6 લાખ બેરલ તેલની આયાત કરી હતી, જે એપ્રિલથી 15 ટકા વધુ છે. ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયાનો હિસ્સો યુક્રેન યુદ્ધ પહેલા એક ટકા કરતા પણ ઓછો હતો તે વધીને 42 ટકા થઈ ગયો છે. તાજેતરના વર્ષોમાં એક દેશ માટે આ સૌથી વધુ હિસ્સો છે. ભારતે મે મહિનામાં સાઉદી અરેબિયામાંથી તેલની આયાત ઘટાડીને 5,60,000 ટન કરી હતી. ફેબ્રુઆરી 2021 પછી આ સૌથી નીચું સ્તર છે.
બીજી તરફ સાઉદી અરેબિયાએ તેલ ઉત્પાદનમાં વધુ કાપની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું હતું કે તે જુલાઈથી ઓછામાં ઓછા એક મહિના માટે દરરોજ 10 લાખ બેરલ તેલના ઉત્પાદનમાં ઘટાડો કરશે. સાઉદી અરેબિયા તેલના ભાવમાં વધારો કરવાના મુખ્ય તેલ ઉત્પાદક દેશોના જૂથ ઓપેક પ્લસના પ્રયાસોના ભાગરૂપે આ કરશે. સાઉદી અરેબિયા જુલાઈથી એક મહિના માટે ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં દરરોજ 10 લાખ બેરલનો વધારાનો સ્વૈચ્છિક કાપ લાગુ કરશે, એમ રાજ્યની માલિકીની સાઉદી પ્રેસ એજન્સીએ રવિવારે જણાવ્યું હતું. આને આગળ પણ વધારી શકાય છે.
આ પહેલા રવિવારે વિયેનામાં ઓપેકના સભ્ય દેશો, રશિયા અને અન્ય નાના તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક પ્લસની બેઠક યોજાઈ હતી. બેઠકમાં, સાઉદી અરેબિયા 2024 સુધી પ્રતિદિન 5 લાખ બેરલના ઉત્પાદન કાપને લંબાવવા માટે સંમત થયા હતા. તે જ સમયે, રશિયાએ એમ પણ કહ્યું છે કે તે આવતા વર્ષના અંત સુધી દરરોજ 5 લાખ બેરલના ઉત્પાદનમાં કાપ ચાલુ રાખશે. રોઇટર્સના અહેવાલ મુજબ ઓપેક પ્લસના અન્ય સભ્યો પણ આવતા વર્ષના અંત સુધી તેલ ઉત્પાદનમાં ઘટાડો કરવાનું ચાલુ રાખશે.
આયાતમાં ઓપેકનો હિસ્સો 90% થી ઘટીને 39% થયો
ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ-ઓપેકનો ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં હિસ્સો મે મહિનામાં ઘટીને 39 ટકાની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો છે. પહેલા આ શેર 90 ટકા સુધીનો હતો. ભારતે મે મહિનામાં દરરોજ 4.7 મિલિયન બેરલ તેલની આયાત કરી હતી. આમાં ઓપેકનો હિસ્સો 1.8 મિલિયન બેરલ હતો. એપ્રિલમાં તે 2.1 મિલિયન બેરલથી નીચે હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ભારતની આયાતમાં રશિયન તેલનો હિસ્સો સતત વધી રહ્યો છે. આ સતત આઠમો મહિનો છે જ્યારે રશિયા ભારતનું સૌથી મોટું સપ્લાયર રહ્યું છે.
ઓપેક પ્લસ વિશ્વના 40% તેલનું ઉત્પાદન કરે છે
ઓપેક પ્લસ વિશ્વના લગભગ 40% ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. તેણે એપ્રિલની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તેના સભ્યો દરરોજ 1.66 મિલિયન બેરલ ઉત્પાદનમાં ઘટાડો કરશે. આ જાહેરાત બાદ તેલના ભાવમાં વધારો થયો છે. તે મહિનાના અંતમાં તે તેની ટોચ પર પહોંચ્યો હતો. પરંતુ આગામી થોડા અઠવાડિયામાં તે પાછું નીચે આવ્યું.