રાજકોટ ખાતે તૈયાર થઈ રહેલી AIIMSમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સાથે જ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. તે અંગે પ્રાધ્યાપક ડોક્ટર્સની ટીમની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. AIIMS દ્વારા 3 ડિપાર્ટમેન્ટ માટે 15 પ્રોફેસરની ભરતી થઈ ચુકી છે. જયારે અન્ય 19 ફેકલ્ટી માટે 5 પ્રોફેસર, 19 સહયોગી પ્રોફેસર અને 45 સહાયક પ્રોફેસર સહીત કુલ 69 પ્રાધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે એપ્લિકેશન મંગાવવામાં આવી છે.
AIIMS ખાતે ડિસેમ્બર- 2021થી OPD કાર્યરત થઈ જશે. જેના અનુસંધાને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ AIIMS સુધી પહોંચવા માટેનો રોડ વહેલી તકે પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન, રૂડાના ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ AIIMSની ટીમ સાથે સતત સંપર્કમાં રહી લોકોને જરૂરી સુવિધા પ્રાપ્ત થાય તે માટે સતત કાર્યરત છે.
AIIMS ખાતે એનેટોમી, એનેસ્થેસ્યોલોજી, કમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસિન, ડેન્ટિસ્ટ્રી, ડર્મેટોલોજી, એ.એન.ટી., ફોરેન્સિક મેડિસિન, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, માઈક્રોબાયોલોજી, ગાયનેકોલોજી, ઓપ્થેલ્મોલોજી, ઓર્થોપેડિકસ, પિડીયાટ્રીક્સ, પેથોલોજી, લેબ મેડિસિન, ફાર્માકોલોજી, રેડિયોલોજી, પલ્મોનરી મેડિસિન સહીત 19 જેટલી ફેકલ્ટીમાં પ્રોફેસર્સની ભરતી માટે ભારત તેમજ વિદેશમાં વસતા ભારતીય નાગરિકો માટે જનરલ તેમજ અન્ય કેટેગરીમાં એપ્લિકેશન મંગાવાઈ છે.
ભરતી સંબંધી વધુ માહિતી રાજકોટ AIIMSની વેબસાઈટ www.aiimsrajkot.edu.in પરથી મળી રહેશે, તેમજ એપ્લિકેશન મોકલવા માટે [email protected] ઈમેલ અથવા પોસ્ટલ એડ્રસ-ડેપ્યુટી ડિરેક્ટર (એડમીન), AIIMS રાજકોટ (ટેમ્પરરી કેમ્પસ) , પી.ડી.યુ મેડિકલ કોલેજ & સિવિલ હોસ્પિટલ, રાજકોટ -360001 ખાતે મોકલી શકાશે. તેમ ડેપ્યુટી શ્રમદીપ સિંહા, ડિરેક્ટર-રાજકોટ AIIMSની યાદીમાં જણાવાયું છે.