રીબડા શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં ભાવિકો રસ તરબોળ બન્યાં: વાજતે-ગાજતે પોથીયાત્રા નિકળી: હવે યોજાશે સંતવાણીના કાર્યક્રમો
મહિરાજ બજરંગબલી ટ્રસ્ટ રીબડા અને ગોંડલના માજી ધારાસભ્ય મહિપતસિંહ ભાવુભા બાપુ જાડેજા પરિવાર દ્વારા રીબડા મુકામે રમેશભાઇ ઓઝા પૂ.ભાઇના વ્યાસાસને તા.20 થી 26 સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ કથામાં ગત તા.20ના રોજ પોથીયાત્રાથી પ્રારંભ કરવામાં આવેલ હતો. અખિલ બ્રહ્માંડ અધિનાયક ભગવાન કૃષ્ણની કરૂણા અને કૃપાથી તથા આરાધ્ય દેવ રામદૂત રૂદ્રા અવતાર આંજનેય મહારાજ હનુમાનજીની પ્રેમ નિશ્રામાં મહિપતસિંહ ભાવુભા બાપુ જાડેજાના મંગળ મનોરથથી રીબડાના આંગણે વિશ્ર્વ પ્રસિધ્ધ અર્વાચિન ઋષિ રમેશભાઇ ઓઝા પૂ.ભાઇના મુખે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને વધારનારી પૂણ્યભૂમિ સત્સંગ સલીલામાં નિમજજન કરવા સહ પરિવારને પધારવા આયોજકોએ અનુરોધ કર્યો છે.
કથાનો પ્રારંભ તા.20/5ને શુક્રવારથી મહીરાજ હનુમાનજી મંદિર-રીબડા મુકામેથી થયો હતો. તા.26/5 ગુરૂવાર સુધી સવારે 9 કલાકથી બપોરના 1 કલાક સુધી કરાશે. કથાની પૂર્ણાહુતિ તા.26/5ને ગુરૂવારના રોજ કરાશે.
આ શુભ પ્રસંગે તા.20/5 શુક્રવારના રોજ પોથીજી યાત્રા મહિરાજ હનુમાનજી મંદિરથી પ્રસ્થાન થઇ હતી. તેમાં પરિવારજનો, આગેવાનો જોડાયા હતાં. તા.23/5 સોમવારના કૃષ્ણ જન્મ અને તા.24/5ના મંગળવારના ગોવર્ધન પૂજા, તા.25/5ને બુધવારના રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગોમાં સહકુટુંબ કથા શ્રવણ તથા મહાપ્રસાદનો લાભ લેવા જાડેજા પરિવારે અનુરોધ કરેલ છે.
આજ કથાના પ્રથમ દિવસે વ્યાસપીઠ ઉપરથી રમેશભાઇ ઓઝા પૂ.ભાઇજીએ જણાવ્યું હતું કે અખિલ બ્રહ્માંડ અધિનાયક ભગવાન શ્રીકૃષ્ણની કરૂણા અને કૃપાથી જ માનવ જાત સુખમય બનેલી છે. રમેશભાઇ ઓઝાના શ્રીમુખેથી દિવ્ય ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રસપાન કરી શ્રોતાઓ ભાવવિભોર બન્યાં હતાં.
રીબડા ખાતે મહિરાજ બજરંગ બલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભા બાપુ જાડેજા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે કથા પ્રારંભ થયાં બાદ મહિરાજ મંદિરથી પોથીજી યાત્રાનું પ્રસ્થાન થયું હતું.