- વિધાનસભા ગૃહમાં કોંગ્રેસની સભ્ય સંખ્યા ઘટીને 13 થઈ: રાજયની છ વિધાનસભા બેઠકો માટે યોજાશે પેટા ચૂંટણી
પોતાના અસ્તિત્વ માટે સમગ્ર દેશમાં ઝઝુમી રહેલી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ માટે ગુજરાતમાં ખુબજ કપરો કાળ ચાલી રહ્યો છે. ચાર ધારાસભ્યોએ પક્ષનો સાથ છોડી રાજીનામા આપી દેતા હવે ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસની સભ્ય સંખ્યા માત્ર 13 ધારાસભ્યોએ પહોચી જવા પામી છે. લોકસભાની આગામી ચૂંટણી સાથે રાજયની વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે.
ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ 156 બેઠકો, કોંગ્રેસ 17 બેઠકો, આમ આદમી પાર્ટી પાંચ બેઠકો અને અપણ ચાર બેઠકો પર વિજેતા બન્યું હતુ. કોંગ્રેસના ચાર ધારાસભ્યો ખંભાતના ચિરાગભાઈ પટેલ, વિજાપુરના ડો.સી.જે. ચાવડા, પોરબંદરનાં અર્જુનભાઈ મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામા આપી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. દરમિયાન ગઈકાલે માણાવદર બેઠકના કોંગી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતુ તેઓ ગમે ત્યારે ભાજપનો ખેસ ધારણ કરી લેશે
આ ઉપરાંત વિસાવદર બેઠકના આપના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી અને વડોદરાની વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કરી લીધો છે.ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ માત્ર પોરબંદર, માણાવદર અને સોમનાથ બેઠક પર જીતી શકયું હતુ. જે પૈકી પોરબંદર અને માણાવદર બેઠકનાં ધારાસભ્યો રાજીનામા આપી ચૂકયા છે. સૌરાષ્ટ્રમાં હવે કોંગ્રેસ પાસે સમખાવા પુરતા એક જ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા બચ્યા છે. લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનો કરૂણ રકાસ થઈ રહ્યો છે. એક પણ બેઠક જીતી શકયું નથી.ચાર ધારાસભ્યો તુટતા રાજયમાં કોંગ્રેસની હાલત દયનીય બની જવા પામી છે.
પ્રચાર માટે કાર્યકરો મળતા નથી હવે ચૂંટણી પ્રચારની આગેવાની લઈ શકે તેવા નેતાની પણ ગુજરાત કોંગ્રેસમાં ઉણપ ઉભી થવા પામી છે.કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું ગુજરાતમાં આગમન વેળાએ જ ભાજપે વ્રજઘાત કર્યો છે.