મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અંબાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ અને વોર્ડનને ‘માં’ વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરાયું
રામનાથપરા પોલીસ લાઈનમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત અને મોબાઈલ આરોગ્ય વાહન અર્પણ કરાયું
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે જીર્ણોધ્ધાર પામેલા અંબા માતાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભાવમય સ્વરે જણાવ્યું હતું કે શક્તિ અને ભક્તિના સમન્વયથી જ પ્રજા કલ્યાણના કાર્યો થઇ શકશે. રાજ્યના નાગરિકોમાં આધ્યાત્મિક ચેતના જગાડવા માટે મંદિરોનું અનેરું પ્રદાન હોય છે, તેમ જણાવી મુખ્યમંત્રીએ પોલીસ હેડકવાર્ટરની કાયાપલટ કરી તેને લશ્કરી કેમ્પસ જેવું વાતાવરણ પ્રદાન કરવા બદલ સમગ્ર રાજકોટ શહેર પોલીસને અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેર પોલીસની કાર્યદક્ષતા, શહેરમાં ઘટી રહેલું ગુનાખોરીનું પ્રમાણ અને શહેરના નાગરિકોને અનુભવાતી સુરક્ષિતતા અને સલામતીની લાગણીનો સગૌરવ ઉલ્લેખ કર્યો હતો. રાજ્ય સરકારે જાહેર કરેલી સરકારી નોકરીઓમાં ૩૩ ટકા મહિલા અનામતનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ એવી નેમ વ્યક્ત કરી હતી કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં બહેનોની સહભાગિતા વધે, તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ આ તકે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર સાથે સંકળાયેલા પોતાના સંસ્મરણો તાજા કર્યા હતા. રાજકોટ શહેર પોલીસ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નવનિર્મિત અંબા માતાજીના મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં પોલીસ હેડકવાર્ટર ખાતે બનેલા અંબામાતાના મંદિરના નિર્માણની પાદ ભૂમિકા સ્પષ્ટ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પોલિસ વિભાગના કર્મીઓને “મા” વાત્સલ્ય કાર્ડ નું વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રીએ પોલીસ વેલ્ફર કીટનું વિતરણ, રામનાથપરા પોલીસ લાઈન કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત તેમજ ટ્રાફિક કેશલેસ મશીન પણ અર્પણ કર્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ તીરંદાજી, ઘોડેસવારી અને રસોઈ કળાની તાલીમ લીધેલા બહેનોને સન્માનપત્રનું વિતરણ તથા જાણીતા કલાકાર કિર્તીદાન ગઢવી, હેલ્થ કમિટીના ચેરમેન જૈમીનભાઇ ઠાકર અને બાન લેન્કના મેનેજીંગ ડીરેકટર મૌલેષભાઈ ઉકાણીને સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતું.
કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઠેબચડા ગામ ખાતેથી તિરસ્કૃત હાલતમાં મળેલી અને “અંબે” નામકરણ પામેલી નવજાત બાળકીને સારવાર અર્થે રાખવામાં આવેલ ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલની મુલાકાત લઈ તેની સારવાર બાબતે ડોકટરઓ સાથે જરૂરી ચર્ચા કરી તેમની સંવેદનશીલતાનો પરિચય પુરો પાડયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રી ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ હેલ્વેજ ઇન્ડિયા અને મોદી સ્કૂલના સૌજન્યથી મુખ્યમંત્રી ને મોબાઈલ આરોગ્ય વાહન અર્પણ કરાયું હતું. જેને મુખ્યમંત્રીએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સર્વે ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયા, કમલેશભાઈ મિરાણી, નીતિન ભારદ્વાજ, કલેકટર સુ રેમ્યા મોહન, સંયુક્ત પોલીસ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઈ પેથાણી અને ઉપ કુલપતિ વિજય દેસાણી, અગ્રણી , આર્ષ વિદ્યા મંદિરના આચાર્ય પરમાત્માનંદજી, તથા વિશાળ સંખ્યામાં રાજકોટના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
મુસ્લિમ સહિતના કારીગરોએ ટૂંકા સમયમાં નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું :દિલીપભાઈ સોમપુરા
મંદિરના નિર્માણ કાર્યના કોન્ટ્રાકટર દિલીપ સોમપુરાએ અબતક સાથેની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે સમગ્ર મંદિર નું નિર્માણ ધ્રાંગધ્રા ના પથ્થર માંથી કરવામાં આવ્યું છે. પથ્થર ની ખાસિયત એ છે કે પથ્થર ને લાંબા સમય સુધી કોઈ જાતની નુકસાની થતી નથી. મોઢેરા નું સૂર્ય મંદિર, રાણકી વાવ સહિતના બાંધકામ ધ્રાંગધ્રા પથ્થર થી કરવામાં આવ્યા છે. તમામ નકશીકામ મંદિર ને શોભે તે પ્રકારે બારીકાઇથી કરાયું છે. તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે આ પ્રકાર નું મંદિરના નિર્માણ માં આશરે ૩ વર્ષ જેટલો સમય લાગતો હોય છે પરંતુ પોલીસ કમિશનર સાહેબના આગ્રહ ને ધ્યાને રાખી આશરે ૮૦ જેટલા કારીગરોએ ફક્ત આઠ મહિનામાં નિર્માણ કાર્ય પૂર્ણ કરાયું છે. તેમણે અબતકની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે મંદિર ના નિર્માણકાર્યમાં જે કારીગરોએ ભાગ લીધો છે તે પૈકી ના મુખ્ય કારીગરો મુસ્લિમ સમુદાય ના છે જેમણે રાત દિવસ ની અથાગ મહેનત બાદ ખૂબ ઝડપી મંદિર નું નિર્માણ કાર્ય પરિપૂર્ણ કર્યું છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ મંદિર ના કારીગરો ના વડવાઓ આ વ્યવસાય થી જોડાયેલા છે તેમને યાદ છે તે પ્રમાણે સોમનાથ મંદિર નું નિર્માણ કાર્ય પણ કારીગરો ના વડવાઓ એ જ કર્યું હતું.