છેક ૧૯૯૪માં જ્યારે લોકોને ઈન્ટરનેટનો ‘ઈ’ પણ ખબર નહોતી ત્યારે જેફ બેજોસે ઓનલાઈન બુક સ્ટોરનો ખ્યાલ રજૂ કર્યો’તો
જે સમયે લોકોએ ઈન્ટરનેટનું નામ પણ સાંભળ્યું ન હતું, ઈન્ટરનેટ શું વસ્તુ છે તેની જાણ પણ ન હતી ત્યારે એમેઝોનના જેફ બેજોસે પોતાના વ્યવસાય અંગે લોકોને કરેલી વાત તે સમયે આશ્ર્ચર્ય સર્જતી હતી. જેફ બેજોસે સમયથી આગળનું વિચાર્યું તેના પરિણામે આજે તેઓ વિશ્વના પ્રથમ ક્રમના ધનાઢ્ય બની શક્યા છે. તાજેતરમાં જેફ બેજોસે પોતાના ભૂતકાળને વાગોળ્યો હતો. તેઓ નોકરી કરતા હતા ત્યારની વાત લોકો સમક્ષ મુકી હતી.
તેમને ઉદાહરણ સાથે સમજાવ્યું હતું કે, એક સમયે મેં મારા બોસ સમક્ષ નવા વ્યવસાય માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. હું અને મારા બોસ સેન્ટ્રલ પાર્ક ખાતે વોક કરી રહ્યાં હતા ત્યારે મેં તેમને નોકરી મુકવાનું કહ્યું હતું. તેમણે તે સમયે મને સલાહ આપી હતી કે, તારો વ્યવસાયનો વિચાર તો સારો છે પરંતુ જેની પાસે સારી નોકરી ન હોય તેને આ વિચાર અનુસરવો જોઈએ. બોસ દ્વારા જેફ બેજોસને બે દિવસ વિચારવાની સલાહ આપવામાં આવી હતી.
ત્યારબાદ જેફ બેજોસે લોકોને ઈન્ટરનેટ ઉપર પુસ્તકો વેંચવાના પોતાનો પ્લાન જણાવ્યો હતો. આ વાત ૧૯૯૪ની છે. તે સમયે ઈન્ટરનેટ એટલે શું તે લોકોને ખ્યાલ પણ નહોતો છેક તે સમયે જેફ બેજોસે ઈન્ટરનેટ ઉપર ચોપડીઓ વેંચવાની તૈયારી કરી હતી. ઈન્ટરનેટ ઉપર બુક સ્ટોર બનાવવો લોકોમાં આશ્ર્ચર્યસર્જનાર હતું. ત્યારે પણ જેફ બેજોસે રોકાણકારોને એવું કહ્યું હતું કે, તમારૂ રોકાણ ધોવાઈ જાય તેવા ૭૦ ટકા ચાન્સ છે. ત્યારબાદ ૧ મીલીયન ડોલર જેટલું ભંડોળ મેળવવા માટે જેફ બેજોસને ૫૦ જેટલી બેઠકો કરવી પડી હતી. એમેઝોનના પ્રારંભીક તબક્કામાં રોકાણકારો રિસ્ક લેવા માંગતા ન હતા. ત્યારબાદ ૨૦૦૧માં એમેઝોનને ૩ બીલીયન ડોલર જેટલું તોતીંગ નુકશાન થયું હતું. અલબત જેફ બેજોસની દુરંદેશીના કારણે તેઓ સમયાંતરે પ્રગતિ કરતા રહ્યાં.
૫૦ બેઠકો કરી ત્યારે રોકાણકારો સહમત થયા
જેફ બેજોસને પ્રારંભીક તબક્કે વ્યવસાય શરૂ કરવા માટે મેરેથોન બેઠકોમાંથી પસાર થવું પડ્યું હતું. રોકાણકારોના વિશ્વાસ જીતવા માટે જેફ બેજોસને ૫૦ બેઠકો કરવી પડી હતી. ૫૦ બેઠકો બાદ જેફ બેજોસને ૧ મીલીયન ડોલરનું ભંડોળ મળ્યું હતું.