- સંગઠનમાં હોદો આપવા ભાજપ દ્વારા નકકી કરાયા નીતિ નિયમો
- મંડળના પ્રમુખ માટે વય મર્યાદા 40 વર્ષ જયારે જિલ્લા પ્રમુખ પદ માટે વર્ષ મર્યાદા 60 વર્ષ નિયત કરાઇ: ર0મી ડિસેમ્બર સુધી તાલુકા, જીલ્લા અને મહાનગરોના પ્રમુખો નીમી દેવાશે
ગુજરાતમાં નવા સંગઠન માળખાની રચના કરવા માટે ભાજપ દ્વારા કેટલાંક નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે. વોર્ડ અને તાલુકા પ્રમુખની નિયુકિતમાં વય મર્યાદા 40 વર્ષ નિયત કરવામાં આવી છે. જયારે જિલ્લા અને મહાનગરના અઘ્યક્ષ માટે વય મર્યાદા 60 વર્ષ રાખવામાં આવી છે. સતત બે ટર્મ અર્થાત આઠ વર્ષથી ભાજપમાં સક્રિય હોય તેવા કાર્યકરને જ પ્રમુખ પદ આપવામાં આવશે. અપેક્ષીતોનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસવામાં આવશે.
સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગઇકાલે બપોરે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના અઘ્યક્ષ સ્થાને એક દિવસની કાર્યશાળા યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સદસ્ય રાજદીપ રોય, પ્રદેશ મહામંત્રી રત્નાકર ગુજરાતના ચૂંટણી અધિકારી – ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા તથા મહાનગરોના પ્રમુખ, ચૂંટણી સમિતીના ઇન્ચાર્જ, સંગઠન પર્વના ઇન્ચાર્જ જોડાયા હતા. હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હોય. દિલ્હી થી ગુજરાતના ભાજપના સાંસદો ઓન લાઇન આ કાર્ય શાળામાં જોડાયા હતા.
સદસ્યતા અભિયાન પૂર્ણ થયા બાદ હાલ ભાજપ દ્વારા રાજયભરમાં બુથ કમિટિની રચના કરવાની કામગીરી ચાલી રહી છે. જે આગામી શનિવારના રોજ પૂર્ણ થશે. દરમિયાન પ ડિસેમ્બરથી તાલુકા અને વોર્ડ પ્રમુખની નિમણુંક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 1પમી ડિસેમ્બર સુધીમા મંડળની રચના કરી દેવામાં આવશે. તાલુકા અને વોર્ડ પ્રમુખ તરીકે એવા કાર્યકરની નિયુકિત કરવામાં આવશે જેની પણ મર્યાદા 40 વર્ષ સુધી નિયત કરવામાં આવી છે. જો કોઇ ખાસ કિસ્સામાં 40 વર્ષનીવય મર્યાદાનો નિયમ જળવાતો ન હોય તો પ્રદેશ હાઇકમાન્ડની મંજુરી લઇ 45 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા આગેવાન કે કાર્યકરને મંડલ કે તાલુકામાં અઘ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવશે. 15મી ડિસેમ્બર સુધીમાં મંડળ રચનાની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ 33 જિલ્લા અને 8 મહાનગરોમાં નવા અઘ્યક્ષ નિમવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે જેના માટે 60 વર્ષની વય મર્યાદા નકકી કરવામાં આવી છે. મહત્તમ 60 વર્ષની વય ધરાવતા પક્ષના સનિષ્ઠ કાર્યકરની જિલ્લા કે મહાનગરના અઘ્યક્ષ તરીકે નિયુકિત કરવામાં આવશે. 31મી ડિસેમ્બર સુધીમાં આ નિયુકિત પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. કોંગ્રેસના હાથનો સાથ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેતા નેતાઓને સરકારમાં ભલે મંત્રી પદ મળી જતું હોય પરંતુ ભાજપના સંગઠન માળખામાં મોટું સ્થાન ન મળે તે માટે પણ નવો નિયમ બનાવવામાં આવ્યો છે. સતત બે ટર્મથી અર્થાત આઠ વર્ષથી સક્રિય હોય તેવા આગેવાને જ સંગઠનમાં સ્થાન આપવામાં આવશે આ નિયમ ખુબ જ સારો ગણાવવામાં આવી રહ્યો છે. પક્ષને મજબુત કરવા સતત મહેનત કરતા કાર્યકરને હવે સંગઠનમાં સ્થાન આપવામાં આવશે.
રાષ્ટ્રીય ચુંટણી સમિતિના સભ્યએ કાર્યશાળામાં એવી પણ ટકોર કરી હતી કે સંગઠનમાં હોદો આપતા પહેલા જે તે કાર્યકર કે નેતાનો ગુનાહિત ઇતિહાસ પણ ચકાસી લેવો જે નેતાનો ગુનાહિત ઇતિહાસ સારો ન હોય અથવા સમાજમાં છબી ખરડાયેલી છે. તેવા નેતાને બને ત્યાં સુધી સંગઠનમાં સ્થાન આપવું નહી જેથી પક્ષની પ્રતિભાને કોઇ વિપરિત અસર ન થાય, ભાજપ દ્વારા પ્રથમવાર સંગઠનની રચના પૂર્વ આકરી નીતિઓ નકકી કરવામાં આવી છે. સામાન્ય રીતે પ્રદેશ પ્રમુખની નિયુકિત કરાયા બાદ પ્રદેશની ટીમ જાહેર કરવામાં આવતી હોય છે પછી મહાનગર અને જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તાલુકા કે વોર્ડની રચના કરવામાં આવતી હોય છે. પરંતુ ભાજપ દ્વારા આ વખતે ટોપ ટુ બોટમના બદલે બોટમ ટુ ટોપની નીતિ અપનાવી છે. બુથ સમિતિની રચના કરવાની કાર્યવાહી ચાલી રહી છે. કોંગ્રેસના આયાતીઓને સંગઠનમાં પેરાશુટ થકી સીધુ જ સ્થાન ન મળી જાય તે માટે નિયમો બનાવવામાં આવ્યા હોવાનું ચર્ચાય રહ્યું છે.
કાર્યશાળામાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ અને કેન્દ્રીય જળ શકિત મંત્રી સી.આર. પાટીલે એવી ટકોર કરી હતી કે, સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતમાં બે કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જે લક્ષ્યાંક રિવાઇઝડ કરી દોઢ કરોડ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં મજબૂત સંગઠન માળખુ હોવા છતાં આપણે દોઢ કરોડ સભ્યો પણ ન બનાવી શકયા, આ ટકોર બાદ તમામ જિલ્લા અને મહાનગરના પ્રમુખ, ધારાસભ્યો અને સાંસદના મોઢા પડી ગયા હતા.
ભાજપ હાઇકમાન્ડ દ્વારા સંગઠન માળખાની રચના માટે નકકી કરવામાં આવેલા નવા નિયમોથી કેટલાંક નેતાઓના અરમાન રોળાય ગયા છે. આગામી પ ડિસેમ્બરથી તાલુકા અને વોર્ડ પ્રમુખની નિયુકિત કરવામાં આવશે 1પમી ડિસેમ્બરથી જીલ્લા અને મહાનગરોના અઘ્યક્ષની વરણીની પ્રક્રિયા શરુ કરાશે આ કામગીરી વચ્ચે દિલ્હી દરબાર દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના નવા અઘ્યક્ષના નામની ઘોષણા કરી દેવામાં આવે તેવી શકયતા પણ હાલ નકારી શકાતી નથી. જો રાજય ચુંટણી પંચ દ્વારા સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓની તારીખનું એલાન કરવામાં આવશે તે સંગઠનની રચનાની કામગીરી પર બ્રેક લગાવી દેવામાં આવશે.