ભરોસાની ભેંસે પાડો જણ્યો !!!
લોકતંત્રમાં સમાચાર માધ્યમો અને ઈલેકટ્રોનિક મીડિયા, અખબારી આલમને લોકતંત્રનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે અને આ ક્ષેત્રને મુક્ત અભિવ્યક્તિ અને સ્વાયતતા બક્ષવામાં આવી છે તેવા સંજોગોમાં હવે જાહેર ખબરના કરોડો-અબજોના કારોબારમાં ચાલી રહેલી સ્પર્ધાને લઈને જાહેરખબર માટે વિશ્ર્વાસપાત્ર ગણાતા ટીઆરપીએ જ વિશ્ર્વસનીયતા ગુમાવી દીધી હોય તેવા સંજોગો ઉભા થયા છે. ભરોસાની ભેંસ પાડા જ જણે તેવી પરિસ્થિતિમાં દેશભરમાં ભારે ચકચાર જગાવનાર ટીઆરપી બોગસ રીતે ઉભી કરી ટીવી ચેનલોને પાછળ ધકેલવાનું કારસ્તાન બહાર આવ્યું છે. મુંબઈ પોલીસે કરેલા ભાંડો ફોડમાં ખોટી રીતે ઉભી કરેલી ટીઆરપીના ભ્રષ્ટાચારમાં ટાઈમ્સ નાવની નંબર-૧ ચેનલને બીજા ક્રમે ધકેલી દીધી હોવાનું બહાર આવ્યું છે અને આ કૌભાંડમાં બીએઆરસીના જવાબદારો પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.
ટીઆરપી કૌભાંડની તપાસ કરતા મુંબઈના જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઈમ મીલીન ભરંબેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ખોટી ટીઆરપી ઉભી કરીને નં-૧ ઈંગ્લીશ ચેનલ ટાઈમ્સ નાવને બીજા નંબરે ધકેલી દેવામાં આવી છે અને રિ-પબ્લિક ટીવી નંબર-૧ ચેનલ બની ગઈ હોવાનું બહાર આવ્યું છે. અન્ય ન્યુઝ ચેનલ સીએનએન અને આઈબીએનને ત્રીજા ક્રમમાં રહેવા જેવી સ્થિતિ ઉભી કરી દીધી છે.
ટાઈમ્સ નાવ નં-૧ ચેનલ હતી અને રિ-પબ્લિકન ટીવી ૨૦૧૬માં લોન્ચ થયા બાદ એક જ અઠવાડિયામાં ટાઈમ્સ નાવ અને સીએનએન, આઈબીએનનો રેટ ઘટી ગયો હતો. બીએઆરસીના કેટલાક કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હતા. ટીઆરપી કૌભાંડની તપાસમાં ઉજાગર થયેલી આ વિગતોમાં રિ-પબ્લિકન ટીવી દ્વારા ખોટી રીતે ટીઆરપી ઉભી કરી હતી. ૨૦૧૬-૧૯ દરમિયાન બીએઆરસીના બે અધિકારીઓને પણ આ ખોટી ટીઆરપીમાં સામેલ હોવા અંગે ધરપકડ કર્યા હતા. પોલીસે આક્ષેપ કર્યો હતો કે, બીએઆરસીને પોતાના બે અધિકારીઓ રોમીલ રામ ગહ્યા અને પાર્થ દાસ ગુપ્તાની સંડોવણી હોવાનું માલુમ થતાં બંન્ને અધિકારી પાસેથી રાજીનામા લઈ છુટા કરી દીધા હતા. અત્યારે આ બન્ને કર્મચારીઓ પોલીસની હિરાસતમાં છે. ટીઆરપીને જ ખોટી રીતે ઉભી કરી જાહેરખબરનો જંગ જીતવા માટે મોટા ખેલ થતાં હોવાના ભાંડાફોડે જાહેરખબર માટે વિશ્ર્વાસનું પાત્ર ગણાતા ટીઆરપી સામે જ અવિશ્ર્વાસ ઉભો કરી દીધો છે.